પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ હાઈવે પર આવેલી હોટેલ વિસામોમાં સુરેન્દ્રનગર જિલ્લાના યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને યુવાનના આપઘાતનું કારણ જાણવા સહિતની વિગતો અંગે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદ હાઈવે ઉપર આવેલ કોયબા ગામ પાસેની હોટેલ વિસામોમાં સુરેન્દ્રનગર જીલ્લાના પીપળી ગામના ધવલભાઈ ઈશ્વરભાઈ વાણિયા (ઉં.વ.23) નામના યુવાને ગઈકાલે કોઈ કારણોસર આ હોટલના રૂમના પંખે ગળેફાંસો ખાઈ લટકી જઈને આપઘાત કરી લીધો હતો. આ યુવાન ગુરૂવારે હોટેલમાં આવ્યો હતો અને રૂમ ભાડે રાખીને રોકાણો હતો તે દરમિયાન ગઈકાલે આ હોટેલના રૂમમાંથી યુવાન બહાર નહીં આવતા હોટલના મેનેજરે તે રૂમમાં જઈને તપાસ કરતા યુવાનનો પંખે ગળેફાંસો ખાઈને લટકતો મૃતદેહ જોવા મળતા મેનેજરે પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી હતી.