બંધડા ગામના ખેડૂતને મશરૂમની ખેતી બની સમૃદ્ધિની પગદંડી
વાર્ષિક રૂ.10 લાખથી વધુનો ચોખ્ખો નફો રળે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
યુવાનોએ કોઈ પણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ખંત, ધીરજ, સાહસ જેવા ગુણ તેમજ જે- તે ક્ષેત્ર માટેનો અભ્યાસ, તાલીમ અને સંશોધન કે સર્વે કરવો ખૂબ જરૂરી છે. તેના થકી કોઈપણ પડકારજનક કામ પણ સારી રીતે પાર પાડી શકાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ખેડૂત જતીનભાઈ સોલંકી છે. તેમણે વર્ષ 2022થી તેમના ફાર્મ ખાતે મશરૂમની ખેતી શરૂ કરી છે. મશરૂમ અત્યંત સંવેદનશીલ પાક છે અને તેનું વેચાણનું માર્કેટ પણ સ્થાનિક સ્તરે નથી. આ પડકારજનક ખેતીમાં વંથલી તાલુકાના નાનકડા એવા ગામના વતની જતીનભાઈ સોલંકી સફળતા મેળવી છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા ગામના વતની જતીનભાઈ એમએસસી, બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ 3 વર્ષ સુધી જામનગર ખાતે ઊંચ પગારથી કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ ખેડૂતપુત્ર હોવાના કારણે અને કૃષી ક્ષેત્રે આગળ વધવા માટે વર્ષ 2017થી પ્રાકૃતિક કૃષિ શરૂ કરી હતી. વર્ષ 2022થી થાણાપીપળી ગામમાં મધુવંતી ફાર્મ ખાતે મશરૂમની ખેતી કરી રહ્યા છે. જેમાં તેઓ વાર્ષિક રૂ. 10 લાખથી વધુનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. ખેડૂતને ખેતીના આરંભે ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત મશરૂમ ખૂબ જ સંવેદનશીલ પાક છે તેનું યોગ્ય તાપમાન જળવાઈ નહીં તો પાક બગડી જાય છે આ ઉપરાંત મશરૂમનું સ્થાન પર કોઈ માર્કેટ નથી. અત્યારે જિલ્લામાં એકમાત્ર જતીનભાઈ મશરૂમની ખેતી કરી રહ્યા છે.
જતીનભાઈએ મશરૂમની ખેતીમાં સફળ થવા માટે જરૂરી અભ્યાસ – સર્વે કર્યો હતો. તેમને પશ્ચિમબંગાળ, ઓડીસા જેવા રાજ્ય કે જ્યાં સૌથી વધુ મશરૂમનું ઉત્પાદન થાય છે ત્યાની મુલાકાત લીધી હતી. તેમજ આઈસીએઆરમાં ત્રણ મહિનાની મશરૂમની ખેતી અંગેની તાલીમ લીધી હતી. ત્યાર પછી સુરતના કેવીકેમાંથી પણ તાલીમ લીધી હતી. ત્યારબાદ વર્ષ 2022થી મશરૂમની ખેતી શરૂ કરી હતી. તેમણે શરૂઆતના સમયમાં મુશ્કેલી થઈ હતી પરંતુ પછીથી સારી એવી કમાણી થઈ રહી છે. હાલમાં તેઓ ફાર્મમાં ઓઇસ્ટર મશરૂમ તેમજ સેજાર કાજુ નામની જાતના મશરૂમનું ઉત્પાદન કરી રહ્યા છે. ઉપરાંત ફ્લોરિડા, ગ્રેઓઇસ્ટર, બ્લુ ઓઇસ્ટર,હ્વાઈટ ઓઇસ્ટરનું પણ ઉત્પાદન કરે છે. મશરૂમનો આ પાક ત્રણ મહિનામાં તૈયાર થાય છે. મશરૂમના પાક માટે જરૂરી સ્વચ્છતા, તાપમાન, ભેજ વગેરે જળવાઈ રહેતો વર્ષ પાક લઈ શકાય છે. જતીનભાઇએ 500 બેગ થી મશરૂમની ખેતી શરૂ કરી હતી. આજે 5400 બેગમાં ઉત્પાદા કરે છે. એક બેગમાં સાડા ત્રણથી ચાર કિ.ગ્રા. મશરૂમ તૈયાર થાય છે. મશરૂમના ફાયદા છે અનેક વિશ્વમાં મશરૂમની 40 અલગ અલગ જાત છે. તેમાંથી ભારતમાં 10 જાતનું ચલણ છે જ્યારે ગુજરાતમાં ઓઇસ્ટર મશરૂમનું ચલણ સૌથી વધુ છે. મશરૂમ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એમાંથી 90 ટકા પ્રોટીન મળે છે. તે ઉપરાંત વીટામીન કે, ડી3 થી પણ તે ભરપૂર છે.