વિદ્યાર્થી યુનિવર્સિટીમાં હવે જૂન, જાન્યુઆરીમાં પણ પ્રવેશ લઈ શકાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં એનઆઈઓએસ તેમજ પૂરક પરીક્ષા દ્વારા ધોરણ 12 પાસ કરનાર 2100થી વધુ વિદ્યાર્થી જાન્યુઆરીમાં કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 2140 વિદ્યાર્થીએ એનઆઈઓએસ તેમજ પૂરક પરીક્ષા આપી હતી. તેઓ ધોરણ 12મા માર્ચ મહિનાની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા નહીં હોવાથી હાલ ડિસેમ્બરમાં એનઆઈઓએસ તેમજ પૂરક પરીક્ષા દ્વારા તેઓ ઉત્તીર્ણ થયા છે. હવે તેમને જાન્યુઆરીમાં પણ પ્રવેશ આપી શકશે. આથી સુરેન્દ્રનગર યુનિવર્સિટિના પ્રેસિડેન્ટ ઇન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓનો એક સેમેસ્ટરનો કિંમતી સમય બચી જશે. અમારી સુરેન્દ્રનગર યુનિવર્સિટિ આ નિર્ણયનો અમલ કરીને ચાલુ જાન્યુઆરી મહિનાથી જ એડમિશન પ્રક્રિયા શરૂ કરશે. હાલ આ નિર્ણયનો જિલ્લામાં સૌ પ્રથમ અમલ કરનાર સુરેન્દ્રનગર યુનિવર્સિટી છે. જેમાં હાલ ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ તમામ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકે છે. ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ જીનલ ગોહિલ અને ધ્યેય ગોસાઈના વાલીઓ પણ આ નિર્ણયથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને પાસ થયા બાદ 6 મહિના ઘરે બેસવું પડશે તેવી અસમંજસ હતી. પણ યુજીસીના નિર્ણયથી અમે કોલેજ શરૂ કરી શકીશું.