રતાંગ ગામે આવીને દિકરીના વાલીએ મહિલાને માર મારતા ગુનો નોંધાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતેની એક ક્ધયા છાત્રાલયમાં અભ્યાસ કરતી 3 દિકરીઓ વચ્ચે ઝઘડો થતા અન્ય બે દિકરીના વાલીઓએ રતાંગ ગામે રહેતા કાજલબેન રાજેશભાઇ પાઘડારને માર મારી પગમાં ફેકચર કરતા કાજલબેનને હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવેલ જે બાબતની ફરિયાદ વિસાવદર પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિસાવદર તાલુકાના રતાંગ ગામે રહેતા કાજલબેન રાજેશભાઇ પાઘડારની દિકરી અને સંજય ભનુભાઇ વસાણી, યોગેશભાઇ ઠુંમરની ત્રણેય દિકરીઓ કેશોદની એક ક્ધયાછાત્રાયમાં અભ્યાસ કરતા હોય જયારે ત્રણેય દિકરીઓ વચ્ચે માથાકુટ થતા આ બાબતની જાણ વાલીઓને થતા જેમાં સંજયભાઇ ભનુભાઇ વસાણી, સંગીતાબેન સંજયભાઇ વસાણી, યોગેશભાઇ ઠુંમર, રીટાબેન યોગેશભાઇ ઠુંમર તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો રતાંગમાં રહેતા કાજલબેન પાઘડારને લાકડીઓથી તેમજ ઢીકાપાટુનો માર મારતા ડાબા પગમાં ફેકચર થયેલ જયારે આ બનાવ ગત તા.7 જાન્યુઆરીના રોજ બનેલ જયારે કાજલબેનને પગમાં ફેકચર થતા જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ. જે બનાવ સંદર્ભે વિસાવદર પોલીસે છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.