દિલ્હી સહિતના રાજ્યોમાં વધશે ઠંડી: પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં વરસાદનું એલર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં હવે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પર્વતીય રાજ્યોમાં થઈ રહેલ હિમવર્ષાને કારણે ઘણા રાજ્યોમાં ઠંડી વધી શકે છે. કાશ્ર્મીર અને હિમાચલમાં હિમવર્ષાને કારણે બરફની સફેદ ચાદર પથરાવાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હીના હવામાનની વાત કરીએ તો, આજ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી બે દિવસ આવું જ વાતાવરણ રહેશે. આ સાથે જ આ અઠવાડિયે ધુમ્મ્સ છવાઈ રહેવાની સંભાવના છે. દિવસમાં ઠંડો પવન ફુંકાઈ શકે છે.
હિમાચલ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા જોવા મળી છે. હિમવર્ષાના કારણે આ રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવી રહ્યા છે. પંજાબની વાત કરીએ તો, વરસાદને કારણે તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આજે પણ ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ઠંડી પણ વધી છે.
આજે હવામાન વિબાગ દ્વારા કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં કમોસમી વરસાદ સાથે જ દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. વરસાદને કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે.