રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પત્રકાર પરિષદમાં આપી માહિતી, પોરબંદર અને કુતિયાણા ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં 15 અને 16 નવેમ્બરે યોજાશે પદયાત્રા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે યોજાનારી ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં બે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બે વર્ષ સુધી ચાલનારી દેશવ્યાપી ઉજવણીની શરૂઆત થઈ છે, જે 2024 થી 2026 સુધી ચાલુ રહેશે.
તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત માય ભારત પોર્ટલ મારફતે “ડિજિટલ ચેલેન્જ અભિયાન” ચાલી રહ્યું છે, જ્યારે હવે બીજા તબક્કામાં દેશભરમાં પદયાત્રાઓ યોજાઈ રહી છે.
આ અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ બે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું નેતૃત્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયા કરશે. પોરબંદર શહેરમાં પદયાત્રા 15 નવેમ્બર, શનિવારના રોજ બપોરે 4 વાગ્યે ચોપાટી પાસે આવેલ કનકાઈ મંદિરથી પ્રસ્થાન કરશે અને કલેક્ટર બંગલો, પેરેડાઈઝ ફુવારા, માણેક ચોક, શીતળા ચોક, હરીશ ટોકીઝ થઈને રેલ્વે સ્ટેશન પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચશે. તે જ રીતે કુતિયાણા મતવિસ્તારમાં પદયાત્રા 16 નવેમ્બર, રવિવારના રોજ સવારે 9 વાગ્યે માધવપુરથી પાતા ગામ સુધી યોજાશે. આ બન્ને પદયાત્રાઓમાં ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નને સાચવવા અને રાષ્ટ્રીય એકતા માટે સૌ નાગરિકો આ પદયાત્રામાં જોડાયે. આ પદયાત્રાના આયોજન માટે ખીમજીભાઈ મોતીવરસને જિલ્લા ઈનચાર્જ તથા મસરીભાઈ ખુંટી, મીતાબેન થાનકી, લક્કિરાજસિંહ વાળા અને નીરવ દવેને સહ-ઈનચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.



