ગરબામાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા અને શિસ્ત જાળવવા ‘વાણીયા’ બનેલા યુવાનોની વિશેષ ભૂમિકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામમાં નવરાત્રી દરમિયાન એક અનોખી પરંપરા જોવા મળે છે. અહીં પાંચહાટડી ચોકમાં યોજાતા ગરબામાં ત્રણથી ચાર યુવાનો સફેદ ભરવાડી પોશાક પહેરી, મોં પર માસ્ક સાથે ’વાણીયા’ તરીકે ફરજ બજાવે છે.
- Advertisement -
આ વાણીયાઓ ગરબા દરમિયાન વિશેષ ભૂમિકા નિભાવે છે. તેઓ કુંડાળામાં ન રમતી મહિલાઓને ગરબામાં જોડાવા પ્રોત્સાહિત કરે છે. સાથે જ બહેનોના ગરબામાં અડચણરૂપ બનતા યુવાનોને દાંડીયાના ઈશારે દૂર કરે છે. નાના બાળકોને ચોકલેટ આપીને તેમનું મનોરંજન પણ કરે છે. પાટડી પાંચહાટડીમાં ગ્રામ્ય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બહેનો અને ભાઈઓના ગરબા અલગ-અલગ યોજાય છે. વાણીયા બનેલા યુવાનોની ઓળખ છુપાવવામાં આવે છે, પરંતુ તેમના મિત્રો તેમની ચાલવાની સ્ટાઈલ પરથી તેમને ઓળખવાનો પ્રયાસ કરે છે.
નવરાત્રીના આયોજક હર્ષદભાઈ પટેલ, કિશોરભાઈ ઠક્કર અને મોન્ટુ ઠક્કરના જણાવ્યા મુજબ, આ પરંપરા સમગ્ર ગુજરાતમાં માત્ર પાટડીમાં જ જોવા મળે છે. આ અનોખી પરંપરા આઝાદીથી અકબંધ રહી છે અને આજે પણ પાટડી તેમજ આજુબાજુના ગામના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. સફેદ પોશાકમાં સજ્જ થયેલા વાણીયાઓ ગરમીમાં પરસેવે રેબઝેબ થવા છતાં લોકોનું મનોરંજન કરવાનું ચૂકતા નથી.



