વાયર્ડ ફોક્સ ટેરિયર પ્રજાતિનું ગુજરાતનું એકમાત્ર ડોગ જે પેરીસથી આયાત કરાયું તે શો મુખ્ય આકર્ષણ બન્યું
બાળથી મોટેરાએ માણ્યો અનેરો આનંદ: બેસ્ટ ઈન શોમાં ડોબરમેન, બોક્સર, જર્મનશેફર્ડ, ડેસહાઉન્ડ અને ફોક્સ ટેરીયર ટોપ-ફાઈવમાં વિજેતા: ઈન્ડિયન બ્રિડ કાર વાન હાઉડે જમાવ્યું આકર્ષણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શાસ્ત્રી મેદાનમાં રવિવારે શ્ર્વાનોનો મેળો ભરાયો હતો જેમાં 20થી વધુ પ્રજાતિના 250 ડોગનો અનોખો ડોગ-શો યોજાયો હતો. સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસિએશન દ્વારા યોજાયેલ આ શોમાં દસ હજારથી વધુ બાળથી મોટેરાએ લાભ લીધો હતો. શોમાં બેસ્ટ ઈન શોમાં પ્રથમ પાંચ વિજેતામાં ડોબરમેન, બોકસર, જર્મનશેફર્ડ, ડેસ હાઉન્ડ અને ફોક્સ ટેરિયર પ્રજાતિ થઈ હતી.
સમગ્ર શો આયોજનમાં પ્રમુખ ભુવનેશ પંડ્યા, અરૂણ દવે, રણજીત ડોડીયા, આશિષ ધામેચા સહિતની ટીમે સુંદર વ્યવસ્થા જાળવી હતી. ડોગ લવરને દરેક બ્રિડની વિગતો સાથે તેની ખાસિયતો વિશે પણ શોમાં માહિતી અપાતા પરિવારજનો ખુશ થઈ ગયા હતા. શોના નિર્ણાયક તરીકે પૃથ્વી પાટીલ (બરોડા) અને યશ શ્રીવાસ્તવ (ભોપાલ)એ સેવા આપી હતી. આ શોમાં સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી 250 શ્ર્વાનોએ ભાગ લીધો હતો. વિવિધ પેટ શોપના સ્ટોલ કલરફૂલ બર્ડ, ઈગ્વાના, મકાઉપોપટ, સેરા જેવી વિવિધ જીવસૃષ્ટિ નિહાળવાની સૌને તક મળી હતી.
આ શોમાં 500 ગ્રામના નાના રમકડાં જેવા ડોગની સાથે 100 કિલોના ઈંગ્લીશ અને ફ્રેન્ચ મેસ્ટિક જેવા કદાવર ડોગ લોકોને જોવા મળ્યા હતા. ઘણી ફિલ્મોમાં જોવા મળતા ગોલ્ડન રીટરીવર અને બ્લેક કલરના લેબ્રાડોરે પણ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. સવારે 9થી શરૂ કરીને સાંજના પાંચ વાગ્યા સુધી ચાલેલા આ શોનું ઉદ્ઘાટન કલેકટર અરૂણ મહેશ બાબુના વરદહસ્તે કરાયું હતું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ડોગ-શોની મુલાકાત લઈને વિવિધ માહિતી મેળવીને આયોજનની પ્રશંસા
કરી હતી.