15 મહિનાથી 29 જરૂરિયાતમંદોને ઘરે પહોંચે છે ગરમાગરમ ભોજન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
પાટડી તાલુકાના અખિયાણા ગામમાં છેલ્લા 15 મહિનાથી એક અનોખી સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે. ’ભાથુ નિ:સ્વાર્થ કર્મ’ નામની આ પહેલ હેઠળ ગામના અશક્ત અને જરૂરિયાતમંદ લોકોને ઘરે ગરમાગરમ ભોજન પહોંચાડવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત 25 ડિસેમ્બર 2023ના રોજ થઈ હતી. ગામના વૃદ્ધ, એકલા અને અશક્ત લોકો માટે બપોરના સમયે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં 29 વ્યક્તિઓને આ સેવાનો લાભ મળી રહ્યો છે.
- Advertisement -
રોજિંદા ભોજનમાં મોસમ મુજબની લીલી શાકભાજી, કઠોળ, દાળ, ભાત અને રોટલી બનાવવામાં આવે છે. તહેવારોના દિવસોમાં મીઠાઈ અને ફરસાણનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિમાં ગામના યુવાનો, મહિલાઓ અને વડીલોનો સહયોગ મળી રહ્યો છે.
આ પહેલના મુખ્ય પ્રેરક અને હળવદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશ કુંડલિયાના મતે, વૃદ્ધ લોકોને ભોજન બનાવવાની જવાબદારીમાંથી મુક્તિ મળે છે. આથી તેઓ આરામથી દિવસ પસાર કરી શકે છે. સેવા આપતા ચમન પટેલ અને હકા પટેલે જણાવ્યું કે તેઓ આ સેવા પ્રવૃત્તિને વધુ વિસ્તૃત કરવા માટે પ્રયત્નશીલ છે. આ રીતે ગામના યુવાનો વતનનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જરૂરિયાતમંદોની સેવા કરવાનો અવસર મળી રહ્યો છે.