સહજતા, સ્મિત, સત્ય અને સખાવતનો પર્યાય એટલે મૌલેશભાઈ
પાટીદાર સમાજના પનોતાપુત્ર, રાજકોટની ધરોહરસમા, દિગ્ગજ ઉદ્યોગપતિ અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન: 63માં વર્ષમાં મંગલપ્રવેશ
- Advertisement -
‘ઈશ્ર્વર પાત્રતા પણ પાત્ર જોઈને આપે છે’ ધન-સત્તા-સંપત્તિનો બહુજન હિતાય ઉપયોગ કરવા માટે એક ઉદાર હૃદય, અંતરમાં કરૂણા, પરોપકાર ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના મનુષ્યની ભીતર આકાર લે છે ત્યારે માનવી પૈસાના મદ-મોહ, અહંકારથી અલિપ્ત બને છે. સેવા, સમર્પણ, સાદગી, સરળતા, સૌજન્ય, સંસ્કાર, સહાનુભૂતિ, સૌહાર્દ જેવા સદ્ગુણો તે વ્યક્તિના વ્યક્તિત્વનું અભિન્ન અંગ બની જાય છે, આવા જ એક સાચા વૈષ્ણવજન, દ્વારકાધીશના પરમ ભકત એટલે મૌલેશભાઈ ઉકાણી. પાટીદાર ભામાશા, દાનની સરવાણી જેના હાથથી સતત વહેતી રહે છે. ‘દાન આપવું એ મારૂં કર્તવ્ય છે’ એવા ભાવથી યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય પાત્રને આપેલ સાત્ત્વિક દાન તેના મુઠી ઉંચેરા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. આવકાર આપવામાં હંમેશા પહેલ કરવી ‘જય દ્વારકાધીશ’ના મીઠા લહેકાથી સામેવાળાને આત્મિયતા અને ઉમળકાભેર મળવું એ તેમની અમિરાત… ‘મારૂં જીવન એ જ મારો સંદેશ’ ગાંધીજીની આ ઉક્તિને તેઓએ સાર્થક કરી છે. લાડકવાયી દીકરીના લગ્નોત્સવ નિમિત્તે રાજકોટની ભાગોળે ઈશ્ર્વરીયામાં ભવ્ય-દિવ્ય વૃંદાવનધામ ઊભું કરી શ્રીનાથદ્વારાની ધ્વજાજીને રાજકોટ લાવી ભવ્ય શોભાયાત્રા યોજી નગરજનોને તેના દર્શનનો લ્હાવો આપ્યો. ત્રિદિવસીય મનોરથના ભવ્યાતિભવ્ય ધર્મ મહોત્સવને નાત-જાત, કોઈ સમાજના ભેદભાવ વગર, જાહેરજનતા માટે સર્વે કૃષ્ણભક્તો માટે ખુલ્લો મૂક્યો. આ અલૌકિક મનોરથ મહોત્સવ મૌલેશભાઈએ રાજકોટને આપેલ અનન્ય યાદગાર સંભારણું બની રહ્યું. માત્ર પોતાનાઓ માટે જ નહીં, સર્વસમાજના છેવાડાના માનવી સુધી, અલબત્ત અબોલ પશુધન માટે પણ કંઈક કરી છૂટવા સદા તત્પર રહેતાં દ્વારકાધીશના કૃપાપાત્ર મૌલેશભાઈની વ્યવસાયિક પ્રોફાઈલ જોઈએ તો સૌરાષ્ટ્રના અંબાણી, દિગ્ગજ
ઉદ્યોગપતિ કે જેઓ ખ્યાતનામ ઉદ્યોગગૃહ ‘બાન લેબ’ના માલીક છે. પ્રવર્તમાન સમયમાં લોકોમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતતા જોવા મળે છે, ત્યારે વર્ષોથી બાન લેબ કંપની આપણા પ્રાચીન અણિશુદ્ધ વિજ્ઞાન આયુર્વેદ દ્વારા લોકોની જીવનશૈલી, સ્વાસ્થ્યને સુધારવા મેડિસીન, હેર કેર, કોસ્મેટિક્સ જેવી અનેક પ્રોડકટોની વ્યાપક રેન્જ ધરાવે છે. 1966માં માત્ર 16 હજાર રૂપિયાના રોકાણથી પિતા ડો. ડી. કે. પટેલે શરૂ કરેલી આ કંપનીને મૌલેશભાઈએ આજે સફળતાના ઉત્તંગ શિખરે પહોંચાડી છે, જેની શાખાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્ર્વના 45 દેશોમાં ફેલાય છે. સામાન્ય માણસને પોસાય તેવા ભાવે શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરવા, અપાર લોકપ્રિયતા અને પ્રશંસા સાથે તેને સાત-સાત શ્રેષ્ઠતા પુરસ્કરો પ્રાપ્ત થયા છે. ઝી બિઝનેસ ચેનલે તેને સૌથી વિશ્ર્વસનીય કંપનીઓમાંથી એક જાહેર કરી છે.
ઉંમરમાં વાનપ્રસ્થાશ્રમની ગરિમા, ભીતરમાં બાળકની નિર્દોષતા, સંતસમું વૈરાગ્ય, હૈયે દ્વારકાધીશનું નામ, દાનની વહેતી સરવાણીનો સરવાળો એટલે મૌલેશભાઈ 21મી સદીની શરૂઆતથી આ સંસ્થાએ તેના ઉત્સાહી અને મહેનત મૌલેશભાઈ ઉકાણીના સક્ષમ નેતૃત્વ અને નિર્દેશન હેઠળ જે અપાર સફળતા હાંસલ કરી છે, તે મેનેજમેન્ટના વિદ્યાર્થી માટે પણ કેસ સ્ટડીનો વિષય છે. સતત નવું આયુર્વેદ જેવા ટ્રેડીશનલ વિષયમાં પણ તેમના માર્ગદર્શનમાં સંશોધિત અનેક પ્રોડકટ એ વાતનો પુરાવો છે કે તેઓ ઈનોવેશનના માણસ છે. તેમનું હેર ઓઈલ સેસા એ રેકર્ડબ્રેક માર્કેટ
- Advertisement -
મેળવ્યું છે. કફ શરદી માટેની પ્રોડકટ ક્રકસ ખૂબ સારા પરિણામ આપે છે. પેનથી લઈને ડીઓ સુધીની વિશાળ રેન્જ તેઓ ધરાવે છે. એનું આયુ કલ્પ સીરપ હાર્ટ માટે અદ્ભુત છે. બાન લેબની જ્વલંત સફળતા એ છે કે વિશ્ર્વ સ્તરે ‘સેસા’ અને તેવી અનેક પ્રિમિયમ બ્રાન્ડ લોકોનું આકર્ષણ અને લોકચાહના પામી છે.
મૌલેશભાઈ અગણિત સંસ્થાઓ સાથે જોડાયેલા છે. દ્વારકા જગત મંદિરના શ્રી દ્વારકાધીશ મંદિર એડમિનિસ્ટ્રેટીવ સમિતિના બોર્ડ મેમ્બર, પાટીદાર સમાજના આસ્થાસ્થાન એવા શ્રી ઉમિયા માતાજી મંદિર, ટ્રસ્ટ-સિદસરના પ્રમુખ, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદના ટ્રસ્ટી, સરદારધામ વિશ્ર્વ પાટીદાર સેન્ટર- અમદાવાદના ટ્રસ્ટી, શ્રી ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના ટ્રસ્ટી, શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝાના ઉપપ્રમુખ, ક્લબ યુવી નવરાત્રિ મહોત્સવના એડવાઈઝરી ડાયરેકટર, ક્રિષ્ના સંસ્કાર વર્લ્ડ વીવાયઓના પ્રમુખ, સૌરાષ્ટ્ર કિડની રીસર્ચ ઈન્સ્ટીટયુટ રાજકોટના ટ્રસ્ટી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ- રાજકોટના ટ્રસ્ટી, સરગમ ક્લબ રાજકોટના સેક્રેટરી, લેંગ લાયબ્રેરીના ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર-કચ્છ ડ્રગ મેન્યુફેકચરિંગ એસોસિએશનના પ્રમુખ, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સીલના ઉપપ્રમુખ, ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ટ્રસ્ટી, પટેલ સેવા સમાજ- રાજકોટ ટ્રસ્ટી, ગુજરાત સ્ટેટ રોલ બોલ બેરીંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી, આર. કે. યુનિવર્સિટીના ગવર્નિંગ બોડી મેમ્બર સહિત 200થી વધુ સંસ્થાઓ સાથે તેઓ સક્રિય છે. મૌલેશભાઈ માટે સંસ્થાના હોદ્દેદાર હોવું એટલે માત્ર મંચસ્થ મહાનુભાવ નહીં, પણ જરૂર જણાય ત્યાં હજારોની માનવમેદનીમાં પાટીદાર સમાજને દિશાદર્શન કરવા સચોટ અને સટીક ટકોર કરતાં અચકાવું નહીં તે તેના સ્પષ્ટવક્તા અને નીડર સ્વભાવનો વિષય છે. સહજ એટલા માટે કે સંસ્થાનો સામાન્ય કાર્યકર પણ તેમનો પ્રશ્ર્ન લઈ આસાનીથી મળી શકે, કોઈપણ કાર્યક્રમ પૂર્વે કાર્યક્રમ સ્થળની અચાનક મુલાકાત લઈ તૈયારીઓ જોતાં સ્વયંસેવકોને પૂછતા ‘શું ચાલે છે બધું બરાબર?’ મૌલેશભાઈ દેખાય તો નવાઈ નહીં… એ તેમના ડાઉન ટુ અર્થ પર્સનાલિટીનો ભાગ છે. કોરોના કાળમાં રેશન કીટ વિતરણ હોય કે હરિદ્વારમાં ગરીબોને મફત સાયકલ રિક્ષા આપીને પગભર કરવાનું કામ હોય, મૌલેશભાઈના હાથમાંથી દાનની સરવાણી સતત વહેતી જ રહે છે. ગામડાઓમાં શાળાઓ બંધાવી, વિવિધ સંસ્થાઓ માટે મકાનો બનાવી આપવાની સખાવત હોય કે દ્વારકા અને સોમનાથમાં યાત્રાળુઓ માટે સમાજ બંધાવાનું કામ હોય, મૌલેશભાઈ છુટા હાથે સખાવત આપતાં રહે છે. વિવિધ ક્ષેત્રમાં અનેક એવોર્ડ મેળવવા છતાં તેઓ સદા હળવાફૂલ રહ્યા છે.
પરમ વૈષ્ણવ મૌલેશભાઈનો બ્રહ્મસંબંધ દ્વારકાધીશ સાથે બંધાઈ ગયો છે. સતત કૃષ્ણમય રહેવાને લીધે એ બધા કર્મ નિષ્કામભાવે કરી શકે છે. ઈશ્ર્વરના કર્મચારી તરીકે કર્મ કરનાર માણસ કરતાં મોટો કર્મયોગી કોઈ હોઈ શકે કે જેઓએ દ્વારકાધીશને પોતાના જીવનરથના સારથિ માની લીધા છે, સદા હસતો ચહેરો, યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ, જેને મળતાં જ સામેવાળો ખુશ થઈ જાય, મોં પર પહોળુ સ્મિત, ચહેરા પર આનંદ, અવાજમાં ઉષ્મા, આંખમાં ચમક અને પરમ શાંતિનું આભામંડળ હોય, મૌલેશભાઈને ક્યારેક કોઈએ નિસ્તેજ, મૂડલેસ, થાકેલા, કંટાળેલા કે ઉતાવળમાં નહીં જોયા હોય, અજાતશત્રુ એવા મૌલેશભાઈને ડગાવવા માટે ન તો સંજોગો સક્ષમ છે કે ન કોઈ મનુષ્ય, તેમને આપણે સફળ બિઝનેસમેન તરીકે જ નહીં પણ સેવાના ભેખધારી ઓલિયા તરીકે ઓળખીએ છીએ. મૌલેશભાઈની જિંદગી જેટલી લાંબી છે તેના કરતાં ઘણી મોટી છે અને આજે તેમના જન્મદિવસે આપણે સૌ વતી પ્રભુને પ્રાર્થના કે તેઓ ઘણું જીવે, આપના જીવનનો આગળનો માર્ગ પણ સમૃદ્ધ, સ્વસ્થ, સુરક્ષિત અને સેવાયુક્ત કાર્યથી સભર બની રહે સૌ કોઈના પ્રીતિપાત્ર મૌલેશભાઈને જન્મદિનની અનરાધાર શુભકામનાનો ધોધ વહી રહ્યો છે. કોઈપણ કાર્યક્રમ પૂર્વે કાર્યક્રમ સ્થળની અચાનક મુલાકાત લઈ તૈયારીઓ જોતાં સ્વયંસેવકોને પૂછતા ‘શું ચાલે છે બધું બરાબર?’ મૌલેશભાઈ દેખાય તો નવાઈ નહીં… એ તેમના ડાઉન ટુ અર્થ પર્સનાલિટીનો ભાગ છે