ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા ખાતે આવેલા રાજગોર બોર્ડિંગમાં સ્વ. નાનાલાલ ગૌરીશંકરભાઈ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં એક ભાવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના પરિવારના ભત્રીજા બળવંતભાઈ મહેતાએ એક નવતર અને વિશિષ્ટ પ્રયોગ હાથ ધર્યો – ઉપસ્થિત સગા-સંબંધીઓને ચકલીના માળા (ચકલીઘર)ની ભેટ આપી પર્યાવરણની જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં અનેક પરિવારજનો, મિત્રો, તથા સ્થાનિક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચકલીઘરનું વિતરણ માત્ર એક ભેટ નહોતું, પરંતુ તે સ્વ. નાનાલાલભાઈના જીવનમાં રહેલી માનવતાના ભાવને, તેમના પરોપકારભાવને અને સમાજસેવા માટેની નિષ્ઠાને જીવેતું કરતું અનોખું પ્રતિક બનીને ઊભર્યું છે. આ પ્રસંગે પરંપરાગત રીતે પાણી ઢોળવાની વિધિ પણ નિભાવવામાં આવી. સ્વ. નાનાલાલભાઈના જીવનમૂલ્યો અને સમાજ માટે કરેલા યોગદાનને યાદ કરતાં તમામ ઉપસ્થિતોએ તેમની પ્રતિબદ્ધતાનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પરિવારના સભ્યો દ્વારા સંવેદનશીલતાથી કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ ચકલીઘર આપવાની આ નવી સંસ્કૃતિને ખૂબ સરાહનીય ગણાવી અને આવો પ્રયોગ અન્ય પરિવારો અને સમાજો માટે પણ પ્રેરણાદાયી બની રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી.