જૈન સમાજના હજારો ખેલૈયાઓ પ્રથમ નોરતે જ રાસની રમઝટ બોલાવી; ઢોલ-શરણાઈના તાલે મંડળી ગરબાનું ખાસ આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આસો માસની શરુઆત થતા જ રાજકોટમાં ગરબાનો માહોલ છવાઈ ગયો છે. વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન સંસ્થા દ્વારા આયોજિત સોનમ નવનાત વણિક ગરબા-2025એ આ વર્ષે પણ શહેરભરમાં મોટું આકર્ષણ ઊભું કર્યું છે. સોમવારે, પ્રથમ નોરતાની ઢળતી સંધ્યાએ ઢોલના ધમકારા અને સંગીતની સુરાવલી સાથે હજારો ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવવા ઉમટી પડ્યા હતા.
આ રાસોત્સવનો શુભારંભ અને માતાજીની આરાધના જૈન અગ્રણીઓ અને મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી. જેમાં સોનમ ક્વાર્ટઝના જયેશભાઈ શાહ અને દીપાબેન શાહ, શેઠ બિલ્ડરના ચંદ્રકાંતભાઈ શેઠ, એકોનો બ્રોકિંગના સુનિલભાઈ શાહ અને પ્રીતિબેન શાહ, તેમજ ટીમ જૈન વિઝનના અજીતભાઈ જૈન અને પદ્માવતીબેન જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ વણિક સંગઠનના ચંદ્રકાંતભાઈ શેઠ અને જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ગરબામાં અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ખેલૈયાઓ માટે લાખેણા ઈનામોની વર્ષા કરવામાં આવશે. આ રાસોત્સવ 150 ફૂટ રોડ પર અયોધ્યા ચોકડી પાસે આવેલા નયનરમ્ય સેન્ટર ગાર્ડન ગ્રાઉન્ડમાં યોજાઈ રહ્યો છે.
- Advertisement -
ખેલૈયાઓની માંગણીને ધ્યાનમાં રાખીને, આજે રાત્રે 12 વાગ્યા પછી ખાસ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઢોલ અને શરણાઈના તાલ પર રમાડવામાં આવશે અને તે એક અનોખું આકર્ષણ બની રહેશે.આ મહોત્સવમાં ખેલૈયાઓને જોશભેર ગરબા રમાડવા માટે બોલીવુડ સિંગર, સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ જીલ એન્ટરટેનમેન્ટ, તેજસ શિશાગીયા, અશ્વિની મહેતા, તુષાર ત્રિવેદી, ઢાકેચા બ્રધર્સની ઓર્કેસ્ટ્રા અને ગાર્ગી વોરા જેવા કલાકારો પોતાની કલા પીરસી રહ્યા છે.
આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ અને મુલાકાતીઓની સુવિધા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં 1,00,000 વોટની અદભુત સાઉન્ડ સિસ્ટમ, થ્રી-લેયર સિક્યુરિટી, વિશાળ ફ્રી પાર્કિંગ, એલઈડી ઉપર ગરબાનું જીવંત પ્રસારણ, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણ પારિવારિક માહોલનો અનુભવ થશે.આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે વિશ્વ વણિક સામાજિક સંગઠનના ચેરમેન સી.એમ. શેઠ, ટીમ જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને જયેશ શાહ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.



