20 હજારની ઉઘરાણી માટે ગોંધી રાખી ત્રણ ચેકમાં સહી કરાવી લીધી
જાનથી મારી નાખવાની ધમકી આપતા સાત સામે નોંધાઈ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળીને ચીથરે હાલ થઈ ગઈ હોય તેમ ગુનાઓ વધી રહ્યા છે નવા વર્ષના પ્રારંભે જ યુગલને આંતરી લૂંટ ચલાવવાની ઘટનાએ પોલીસને કાળી ટીલી લગાડી દીધી છે ત્યારે તરઘડીના વેપારીને 20 હજારની ઉઘરાણી મુદે રૈયા ચોકડી પાસેથી ઉઠાવી ઓફિસમાં લઈ જઈ સાત શખ્સોએ મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગોંધી રાખી કોરા ચેકમાં સહી કરાવી લેતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
તરઘડી ગામે રંગપર પાટિયા પાસે રહેતા નવઘન ભૂપતભાઈ સોલંકી ઉ.31એ રાજકોટના શબિર, આસિફ, ટાઈગર, મામદ, કરણ અને અજાણ્યા બે શખ્સો સામે યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ત્રણેક મહિના પૂર્વે શબિર પાસેથી ડ્રાયફ્રૂટની ખરીદી કરી હોય જેના 20,400 રૂપિયા આપવાના બાકી હોય જેનો ખાર રાખી ગત 31 તારીખે બપોરે સવા બારેક વાગ્યે હું રૈયા ચોકડી પાસે હતો ત્યારે ઉપરોક્ત ટોળકી ધસી આવી હતી અને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બળજબરીથી મોટરસાયકલમાં બેસાડી અપહરણ કરી તેની પરાબજારમાં આવેલી કેનિસ ડ્રાયફ્રૂટ નામની દુકાને લઈ જઈ ફરી ત્યાં મારકૂટ કરી હતી ઢીકાપાટુનો માર મારી પાવડાના ધોકાથી માર મારી હાથનું હાડકું ભાંગી નાખ્યું હતું બાદમાં ફાઇવ સ્ટાર નામની દુકાને લઈ જઈ ગેરકાયદે ગોંધી રાખ્યો હતો અને ત્રણ કોરા ચેકમાં સહીઓ કરાવી લીધી હતી.
તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ રતનુએ તપાસ હાથ ધરી છે.