તાલાલા પંથકના ગ્રામીણ માર્ગો માટે જમીન સંપાદન તથા માર્ગ બનાવવા સરકારે 24.24 કરોડની ગ્રાન્ટ સાથે મંજૂરી આપી
પ્રજા અને ખેડૂતો વતી ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
તાલાલા પંથકના 12 ગામને જોડતા 6 ગ્રામીણ માર્ગો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નવનિર્મિત બનાવવા રાજ્ય સરકારે જરૂરી ગ્રાન્ટ સાથે મંજૂરી આપતા તાલાલા પંથકની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ છે.
ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ નો મતવિસ્તારનો લોક સંપર્ક પ્રવાસ દરમિયાન આવેલ રજૂઆતોની સરકારમાં કરેલ રજૂઆત અંતર્ગત તાલાલા પંથકના ધાવા ગીરથી જસાપુર ગીર ગામને જોડતો 5.5 કિ.મી માર્ગ માટે રૂ.6 કરોડ 37 લાખ,પીપળવા ગીરથી ગુંદરણ ગીર 1.70 કિ.મી માર્ગ માટે રૂ.2 કરોડ 74 લાખ,જેપુર ગીરથી ચિત્રાવડ ગીર 2.70 કિ.મી માર્ગ રૂ.4 કરોડ 16 લાખ,વાડલા ગીરથી રસુલપરા 2.50 કિ.મી.માર્ગ રૂ.3 કરોડ 76 લાખ,પીપળવા ગીરથી તાલાલા રેલ્વે સ્ટેશન 2.40 કિ.મી માર્ગ રૂ.2 કરોડ 74 લાખ,ગાભા ગીરથી ઘુંસિયા ગીર 2.70 કિ.મી માર્ગ રૂ.4 કરોડ 46 લાખના ખર્ચે નવનિર્મિત બનશે.જ્યાં માર્ગ માટે જમીન સંપાદન કરવી પડે ત્યાં જમીન સંપાદન કરી મેટલ,નાળા પુલિયા સાથે પેવરથી પાક્કા માર્ગો બનાવવા રાજ્ય સરકારે રૂ.24 કરોડ 24 લાખની ગ્રાન્ટ સાથે તાલાલા પંથકના બાર ગામને જોડતા નોન પ્લાન ના 6 માર્ગો નવનિર્મિત બનાવવા મંજૂરી આપી છે.આગામી દિવસોમાં તમામ માર્ગોની વહીવટી કામગીરી પૂર્ણ થયા બાદ તાલાલા પંથકના બાર ગામની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે આશીર્વાદરૂપ તમામ માર્ગો બનાવવાની કામગીરી શરૂ થશે.
તાલાલા પંથકની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોની માંગણી પ્રમાણે જન સુખાકારી માટે અતિ ઉપયોગી માર્ગોની ગ્રાન્ટ સાથે મંજૂરી આપવા બદલ ધારાસભ્ય ભગવાનભાઈ બારડે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.
ધાવા ગીર-જશાપુર ગીર માર્ગ બનાવવાથી રસ્તાની સમસ્યા ભૂતકાળ બની જશે
તાલાલા તાલુકાના ધાવા ગીર થી જશાપુર ગીર ગામમાં જતો સીમ વગડા માંથી પસાર થતો 5.5 કિ.મી માર્ગ નાળા પુલિયા સાથે પાકો બનાવવા થયેલ નિર્ણયને તાલુકા પંચાયત સભ્ય લવજીભાઈ કપુરીયા એ વધાવ્યો છે.આ માર્ગ અગણિત ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને કાયમી ઉપયોગી બનશે.આ માર્ગ બનવાથી ધાવા ગીર અને જશાપુર ગીર સહિત અનેક ગામની પ્રજા તથા ખેડૂતોની રસ્તાની સમસ્યા ભૂતકાળ બની જશે.તાલાલા તાલુકાની પ્રજા વતિ ધારાસભ્ય તથા રાજ્ય સરકારનો તાલુકા પંચાયત સભ્ય લવજીભાઈ એ આભાર વ્યક્ત કર્યો હતો.