10 દિવસના સર્ચ ઓપરેશન દરમિયાન રાજકોટ પોલીસની ઝુંબેશ યથાવત
ગેરકાયદે ઘૂસેલા તમામની સઘન પૂછતાછ કર્યા બાદ ડીપોર્ટ કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આતંકી હુમલા બાદ દેશભરમાં ઘૂસણખોરોને પકડી લેવા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે રાજકોટ પોલીસે વધુ છ બાંગ્લાદેશી શખ્સને પકડી લેતા આંકડો વધીને 21 સુધી પહોંચી ગયો હતો અને તમામની સઘન પૂછતાછ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં ઘૂસણખોરી કરી રહેલા બાંગ્લાદેશી-પાકિસ્તાનીઓને પકડી લેવા પોલીસે 35 ટીમો બનાવી હતી અને રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટિકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી એક હજારથી વધુ લોકોની ચકાસણી કરી હતી જેમાં 13 બાંગ્લાદેશીઓ પકડાયા હતા. જેમાં અલગ-અલગ એજન્સીઓ મારફતે તેની પૂછતાછ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે વધુ આઠ જેમાં છ મહિલાઓ સહિત આઠ બાંગ્લાદેશીઓની ડિટેન કરવામાં આવ્યા છે. જેમાં કુલ આંકડો 21 થયો હોવાનું બહાર આવ્યું હતું શહેરમાં શનિવારથી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના આદેશથી તમામ પોલીસ મથક તેમજ ક્રાઇમ બ્રાંચ, એસઓજી,પીસીબી સહિતની 35 ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાંથી એક હજાર જેટલા શંકાસ્પદ શખ્સની તપાસ કરી હતી, બાદમાં મહિલાઓ સહિત 13 બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા બાદમાં પોલીસ તરફથી સર્ચ દરમિયાન વધુ શખ્સ મળી આવ્યા હતા જેમાં એસઓજીની ટીમે 12, એલસીબી ઝોન-1એ 2, બી-ડિવિઝન પોલીસે 02, યુનિવર્સિટી પોલીસે 02, થોરાળા 02, આજીડેમ પોલીસે 2 મળી કુલ 21ની અટકાયત કરી છે. પૂછતાછમાં બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરી ગુજરાત બાદ રાજકોટ આવ્યા હતા અને મજૂરીકામ કરતા હોવાનું બહાર આવ્યું હતું.
જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી ઝડપાયો
જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશીને પકડી પાડવામાં આવ્યો છે. નવાગઢમાં એસબીઆઇ રોડ રૂબી પ્રોવીઝન સ્ટોર પાસે મહમદઅકરમ રસુલ શેખ નામનો વ્યક્તી કોઇપણ પ્રકારના વિઝા કે સરકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે રહે છે તેવી ચોક્કસ બાતમી મળતાની સાથે જ એલસીબીની ટીમ જેતપુર ઉદ્યોગનગર પોલીસ ટીમ બાતમીના સ્થળે પહોંચી તપાસ કરતાં અકરમ સરદાર ગુલામ રસુલ શેખ પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ કે અન્ય કોઈ બીજા પુરાવા મળી આવેલ નહી જેથી તે શખસની પૂછપરછ કરતા, પોતે બાંગ્લાદેશી નાગરિક હોવાની અને કોઈ પણ વિઝા કે ભારત સરકારની મંજુરી વગર અહીં રહેતા હોવાનું જણાવ્યું હતું જેથી શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરીકને નજર કેદ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
રાજકોટના પડધરી પોલીસે બાંગ્લાદેશી મહિલાની કરી અટકાયત
રાજકોટ પડધરી મોવીયા સર્કલ પાસે એક મહીલા કોઇપણ પ્રકારના વિઝા કે સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે હાજર હોવાની હકીકત મળતાની સાથે જ એલ.સી.બી. ટીમ પડધરી પોલીસ સ્ટાફ ટીમ સાથે હકીકત તપાસ કરતા સાહીદાબેન ખલીલમાતુબ્બર અખ્તર (ઉ.વ.34)ની પાસે ભારતીય ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ કે અન્ય કોઈ બીજા પુરાવા મળી આવ્યા ન હતા જેથી તેની પુછપરછ કરતા પોતે બાંગ્લાદેશી નાગરીક હોવાની અને કોઈ પણ વિઝા કે ભારત સરકારની મંજૂરી વગર અહીં રહેતા હોવાનું જણાવ્યું. ત્યાર બાદ વિદેશી ઈસમ પાસેથી બાંગ્લાદેશનુ આઇ.ડી.કાર્ડ મળી આવતા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરીકને નજર કેદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



