‘ઝીરો મેકિંગ ચાર્જ’ એક ભ્રમ છે – જે મોટી બ્રાન્ડસએ ઉભો કર્યો છે…
કેવી રીતે થાય છે ફ્રોડ ? વાંચો અભ્યાસપૂર્ણ અને સ્ફોટક અહેવાલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1.25 લાખ આસપાસ પહોંચ્યો તો 1 કિલો ચાંદીનો ભાવ1 1.50 લાખ પાર કરી ગયા છે. સોના-ચાંદીના વધતા ભાવ વચ્ચે ધનતેરસ-દિવાળીના તહેવાર નજીક આવતા ઘરેણાંની ખરીદીને અસર પહોંચી શકે છે. જાણકારો ઘરેણાંની ખરીદીને અસર પહોંચવાનું કારણ સોના-ચાંદીના ભાવમાં સતત થઈ રહેલો ભાવ વધારો નહીં પરંતુ ઘરેણાંની ખરીદી પાછળ જાયન્ટ જ્વેલર્સ દ્વારા વસૂલાતા અધર-હિડન ચાર્જ ગણાવી રહ્યા છે. મોટામોટા શોરૂમ ધરાવતા જ્વેલર્સ દ્વારા હાલ બજારમાં ઝીરો મેકિંગ ચાર્જ અને ડિસ્કાઉન્ટની લોભામણી ઓફર્સ આપવામાં આવી રહી છે, જોકે ઝીરો મેકિંગ અને ડિસ્કાઉન્ટ આપવાના બદલામાં જ્વેલર્સ દ્વારા કસ્ટમર્સ પાસેથી કેટલાય પ્રકારના અધર-હિડન ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. આ કારણે ઘરેણાં ખરીદવા ખૂબ જ મોંઘા પડી રહ્યા છે.
સોનાના દાગીનાં પર કેટલો મેકિંગ ચાર્જ લાગે છે?
જ્યારે ઝવેરી સોનામાંથી ઘરેણાં બનાવે છે, ત્યારે તેને કારીગરની મજૂરી અને અન્ય ખર્ચની જરૂર પડે છે. આ ખર્ચ સોનાના દાગીનાના મેકિંગ ચાર્જમાં ઉમેરવામાં આવે છે. કોઈપણ ઘરેણાં પર નાના વેપારીઓ 8-10 ટકા તો મોટા વેપારીઓ 28-33 ટકા મેકિંગ ચાર્જ લગાવતા હોય છે. આ ચાર્જની ગણતરી બે રીતે કરવામાં આવે છે.
1. મેકિંગ ચાર્જની ગણતરી પ્રતિ ગ્રામના આધારે કરવામાં આવે છે: દરેક ગ્રામ સોના માટે એક નિશ્ચિત રકમ વસૂલવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામ રૂ. 500 છે અને તમે 10 ગ્રામ સોનું ખરીદો છો તો મેકિંગ ચાર્જ રૂ. 5000 થશે.
2. ટકાવારી આધારિત મેકિંગ ચાર્જ: સોનાની કુલ કિંમતના એક નિશ્ચિત ટકાવારી મેકિંગ ચાર્જ તરીકે ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે 10,00,000 રૂપિયાના ઘરેણાં ખરીદો છો અને મેકિંગ ચાર્જ 10% છે, તો તમારે 1,00,000 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.
- Advertisement -
બ્રાન્ડેડ જવેલરીવાળા બજાર ભાવ કરતાં ઓછાં ભાવે સોનું આપવાનો દાવો કરે છે – જો સોનાનું બિસ્કિટ ડિસ્કાઉન્ટમાં આપે તો સાચા !
‘ઝીરો મેકિંગ ચાર્જ’ કહી અનેક પ્રકારનાં હિડન ચાર્જીસ ગ્રાહકો પાસેથી ખંખેરી લેવામાં આવે છે…
શહેરભરમાં મોટામોટા હોર્ડિંગ્સની અંદર ઝીરો મેકિંગ ચાર્જ અને 10-15 ટકા ડિસ્કાઉન્ટની લોભામણી જાહેરાત જોવા મળી રહી છે. ઘણાં જ્વેલર્સ ગ્રાહકોને આકર્ષવા ઝીરો મેકિંગ ચાર્જ અને 10-15 ટકાના ડિસ્કાઉન્ટ સહિતની ઓફર આપે છે, જેની લાલચમાં કસ્ટમર્સ મોટામોટા શોરૂમના જ્વેલર્સ પાસે દોડી જાય છે. પરંતુ આવા પ્રલોભન પાછળ ઘણાં છુપા ખર્ચ સામેલ હોય છે, જેના કારણે સરવાળે ઘરેણાંની અંતિમ કિંમત નોંધપાત્ર રીતે વધી જાય છે. ઉદાહરણ તરીકે નાના વેપારીઓ મંગળસૂત્રમાં આવતા નાના કાળા મોતીનો કોઈ ચાર્જ લેતા નથી તેના બદલે મોટામોટા શોરૂમ ધરાવતા જ્વેલર્સ એ મોતીના પણ ત્રણ-ત્રણ હજાર જેટલા ચાર્જ વસૂલી લેતા હોય છે. નાના વેપારીઓ રૂદ્રાક્ષ કંઠી કરવાના 500 રૂપિયા જ્યારે મોટા વેપારીઓ 4થી 5 હજાર પારાના વસૂલે છે. શોરૂમવાળા મોટા વેપારીઓ હોલમાર્ક ચાર્જ પણ વધુ લેતા હોય છે. આમ, જાયન્ટ જ્વેલર્સ ઝીરો મેકિંગ ચાર્જ કે ડિસ્કાઉન્ટના બદલામાં બીજા કેટલાય ચાર્જ વસૂલી લેતા હોય છે. આ પ્રકારના ચાર્જથી કસ્ટમર્સ અજાણ હોય તેઓ છેતરાઈ જાય છે.
સોના-ચાંદીના વેપારીએ આ અંગે જણાવ્યું હતું કે, મોટામોટા શોરૂમ ધરાવતા જ્વેલર્સવાળાઓ દાગીના જેટલું જ ડિસ્કાઉન્ટ બિસ્કિટ-લગડીમાં આપે તો સાચું કહેવાઈ. ક્યારેય સોનું કે ચાંદી કોઈને સસ્તું આપવું પરવડે નહીં. આ સિવાય જો ઝીરો મેકિંગ ચાર્જની વાત કરવામાં આવે તો કોઈપણ નાના કે મોટા સોનાના વેપારીને ઝીરો મેકિંગ ચાર્જ કરવો શક્ય જ નથી. હકીકતમાં નાના-વેપારીઓ 8-10 ટકા જેટલો મેકિંગ ચાર્જ કરતા હોય છે જેની સામે મોટા જ્વેલર્સ 28-33 ટકા જેટલો મેકિંગ ચાર્જ કરતા હોય છે. હવે મોટા જ્વેલર્સ 10-15 ટકા ડિસ્કાઉન્ટ આપે તો પણ અંતે 15 ટકા જેટલો મેકિંગ ચાર્જ થાય. આ ડિસ્કાઉન્ટ કરેલો મેકિંગ ચાર્જ પણ નાના વેપારીઓ દ્વારા લગાવાતાં મેકિંગ ચાર્જ કરતા વધુ છે. જો કોઈ જાયન્ટ જ્વેલર્સ દ્વારા ઝીરો મેકિંગ ચાર્જ આપવામાં આવે તો તેમને 6 ટકા જેટલું નુકસાન થઈ શકે. કોઈ મોટા વેપારીઓ ગાંઠનું ગોપીચંદન કરીને મેકિંગ ચાર્જ ભોગવે નહીં. ઝીરી મેકિંગ ચાર્જના બદલામાં બીજા કેટલાય ચાર્જ લગાવી મેકિંગ ચાર્જ વસૂલી લેવામાં આવે છે.
મેકિંગ ચાર્જ અને ડિસ્કાઉન્ટ ઓફર્સના નામે કસ્ટમર્સને છેતરતા મોટા જ્વેલર્સવાળાઓ સોનાનો ભાવ પણ માર્કેટ પ્રાઈઝ કરતા 1 હજાર રૂપિયા વધુ ઓછો ગણતા હોય છે. ત્યારબાદ મેકિંગ ચાર્જ અને ડિસ્કાઉન્ટ આપી અધર-હિડન ચાર્જ એડ કરી નાખે છે. હવે જો કસ્ટમર્સ નાના વેપારી પાસેથી લીધેલા ઘરેણાં અને શોરૂમમાંથી ખરીદેલા ઘરેણાંની વેલ્યુએશન કરાવે તો અસલ ખ્યાલ આવે કે, નાના વેપારીઓની સરખામણીમાં મોટામોટા શોરૂમ ધરાવતા જાયન્ટ જ્વેલર્સ ક્યાં પ્રકારે ઝીરો મેકિંગ ચાર્જ અને ડિસ્કાઉન્ટની લોભામણી જાહેરાત આપી કસ્ટમર્સને આકર્ષીને છેતરી રહ્યા છે.
જ્વેલર્સ દ્વારા વસૂલાતા
5 પ્રકારના હિડન ચાર્જીસ
1. બજાર ભાવ કરતા વધુ ભાવે સોનાનું વેંચાણ
ઘણાં જ્વેલર્સ સોનાના વર્તમાન ભાવ કરતાં વધુ ભાવ લેતા હોય છે. ઉદાહરણ તરીકે જો જ્વેલર્સ બજાર ભાવ કરતાં પ્રતિ ગ્રામ ₹ 200 વધારે લે તો ગ્રાહકે 50 ગ્રામના દાગીના પર વધારાના ₹ 10000 ચૂકવવા પડતા હોય છે. આ વધારો એક પ્રકારનો છુપો ચાર્જ જ ગણાય.
2. મોતી અને હિરાના પણ અનેકગણા ભાવ વસૂલવા
ઝીરો મેકિંગ ચાર્જવાળા ઘરેણાંમાં ઘણીવાર મોતી, હીરા, રત્નો અથવા અન્ય સજાવટી તત્વો જોડવામાં આવે છે. આ વસ્તુઓની કિંમત તેમના વાસ્તવિક મૂલ્ય કરતાં ઘણી વધારે નક્કી કરવામાં આવે છે. ગ્રાહકને અપાયેલા શૂન્ય મેકિંગ ચાર્જની ભરપાઈ જ્વેલર્સ સાવ સસ્તા ભાવે મળતા મોતી અને હિરાના પણ અનેકગણા ભાવ વસૂલીને કરી લેતા હોય છે.
3. બાયબેક ઓફરના નામે ગોલ્ડની
વેલ્યુ ઘટાડી દેવામાં આવે
કેટલાક જ્વેલર્સ જૂનું ઘરેણું વેચતી વખતે તેના સોનાના મૂલ્યના 90% જેટલી રકમ આપવાનું વચન આપે છે. પરંતુ ગ્રાહકો ઝીરો મેકિંગ ચાર્જવાળા દાગીના ખરીદે છે, ત્યારે આ બાયબેક વેલ્યુ ઘટાડીને 70-80% કરી દેવાય છે. તેનાથી ગ્રાહકને ભવિષ્યમાં નુકસાનનો સામનો કરવો પડે છે.
4. વેસ્ટેજ ચાર્જ વધારી દેવામાં આવે
દાગીના બનાવવામાં સોનાનો જે ભાગ નષ્ટ થાય છે તેના પર વેસ્ટેજ ચાર્જ લાગુ પડે છે. આ ચાર્જનો સામાન્ય દર 2-3% જેટલો હોવો જોઈએ. પરંતુ જ્વેલર્સ ઘણી વાર જટિલ ડિઝાઇન હોવાથી વધારે બગાડ થશે એવું બહાનું આપીને 5% અથવા તો વધુ ચાર્જ કરે છે. આ ચાર્જની ગણતરી સોનાના વર્તમાન ભાવ પર થાય છે, દાગીના બનાવ્યા હોય ત્યારના સોનાના મૂળ ભાવ પર નહીં.
5. જથ્થાબંધ ડિસ્કાઉન્ટનો લાભ
જ્વેલર્સને મળે, કસ્ટમર્સને નહીં
જ્વેલર્સ એકસાથે મોટા પ્રમાણમાં સોનું ખરીદતા હોવાથી તેમને જથ્થાબંધ ડિસ્કાઉન્ટ મળે છે. પરંતુ કસ્ટમર્સ કટકે કટકે કે ક્યારેક જ ગોલ્ડ ખરીદતા હોવાથી જ્વેલર્સને મળેલો જથ્થાબંધ ડિસ્કાઉન્ટનો લાભ કસ્ટમર્સને મળતો નથી.