અમદાવાદથી રાજકોટ જતાં નેશનલ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે રાજરાજેશ્વર ધામ આવેલુ છે. રાજરાજેશ્વર ધામ પરિસરમાં આવેલા દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે.
ભારત દેશમાં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશના એક સાથે બહુ જૂજ મંદિર આવેલા છે. અમદાવાદથી રાજકોટ જતાં નેશનલ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે રાજરાજેશ્વર ધામ આવેલુ છે. રાજરાજેશ્વર ધામ પરિસરમાં આવેલા દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમના પરિવાર સાથે બિરાજમાન છે. આજે દેવદર્શનમાં એક જ મંદિર પરિસરમાં બિરાજમાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તેમના પરિવારના દર્શન કરી ધન્ય થઈશુ.
- Advertisement -
અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડી પાસે જાખણ ગામે આવેલા રાજ રાજેશ્વરધામનો પ્રવેશદ્વાર સુંદર કોતરણી કામથી શોભાયમાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અહિં ચૈતન્ય સ્વરુપે બિરાજમાન છે. એટલે દ્વારનું નામ ત્રિમૂર્તિ દ્વાર રાખવામાં આવ્યુ છે. રાજરાજેશ્વર ધામમાં પ્રવેશતા જ પ્રથમ નજર દિવ્યાયતન પર જાય છે. ભારતીય સંસ્કૃતિ, સ્થાપત્ય અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અદ્વિતીય દિવ્યાયતનનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતપોતાના પરિવાર સાથે બિરાજમાન
- Advertisement -
દિવ્યાયતનમાં લોકેશ્વર બ્રહ્માજી, જગદીશ્વર વિષ્ણુજી અને સિદ્ધેશ્વર મહાદેવ પોતપોતાના પરિવાર સાથે બિરાજમાન છે. આમ તો દેશના બધા આધ્યાત્મિક સ્થાનો પવિત્ર અને પૂજ્ય છે પણ આ સ્થળ સવિશેષ રૂપે પૂજ્ય છે કારણ કે 29 જાન્યુઆરી 2007ના દિવસે ભગવાન લકુલીશજીએ બીજી વખત સ્વામી રાજર્ષિ મુનિજીને સિદ્ધેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. અને કહ્યુ હતુ કે આ દિવ્યાયતન એકેશ્વરવાદનું ઉત્તમ કેન્દ્ર બનશે. દિવ્યાયતનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સુંદર ત્રણ મંદિર આવેલા છે. ત્રણે મંદિરમાં ત્રણેય દેવ તેમના પરિવાર સાથે બિરાજમાન છે.
શિવજીની પંચમુખી પ્રતિમા
સિધ્ધેશ્વર મહાદેવના મંદિરમાં શિવજીની પંચમુખી પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. શિવજીને પંચવકત્ર ગણવામાં આવે છે. તે અનુસાર શિવજીના પાંચ મુખ છે. આ પાંચ શિવજીના પાંચ સ્વરૂપ છે. એક સ્વરૂપ તત્પુરૂષ છે જેમની પૂજા પૂર્વ દિશામાં કરવામાં આવે છે. બીજુ સ્વરૂપ વામદેવ છે જેમની પૂજા ઉત્તર દિશામાં કરવામાં આવે છે. ત્રીજુ સ્વરૂપ ૐ સદ્યોજાતં છે. જેમની પૂજા પશ્ચિમ દિશામાં કરવામાં આવે છે. ચોથુ સ્વરૂપ છે અઘોર, જેમની પૂજા દક્ષિણ દિશામાં કરવામાં આવે છે અને પાંચમુ સ્વરૂપ ઈશાન છે જેમા વચ્ચે લિંગ હોય છે એટલે તેમની પૂજા ઉપરથી કરવામાં આવે છે જેને ઊર્ધ્વ મુખ કહેવાય છે.
વિષ્ણુજીની મૂર્તિ દક્ષિણ ભારતના કારીગરોએ વિશેષ કાળા પત્થરમાંથી કંડારી છે
રાજરાજેશ્વરધામ ખાતે દિવ્યાયતનમાં બિરાજમાન સિધ્ધેશ્વર મહાદેવ અને જગદીશ્વર વિષ્ણુજીની મૂર્તિ દક્ષિણ ભારતના કારીગરોએ વિશેષ કાળા પત્થરમાંથી કંડારી છે. જેને કંડારતા કારીગરોના હાથમાં ફરતે ટાયર બાંધવા પડતા હતા કારણ કે આ કાળો પત્થર સખત હોવાના કારણે કંડારતી વખતે હાથમાં વાગે છે.
સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં આ પ્રતિમાઓ
સિધ્ધેશ્વર મહાદેવના મંદિરમાં તેમની આજુબાજુમાં ગણપતિ, કાર્તિકેય, હનુમાનજી, અંબાજી, સર્વમંગલા, વીરભદ્ર, લિંગોદ્રવ, અર્ધનારીશ્વર, નંદી, કાચબાની સુંદર પ્રતિમાઓ મંદિરની શોભામાં અભિવૃધ્ધી કરે છે. દિવ્યાયતનમાં દરેક વાર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને ભાવિકો તેનો અચૂક લાભ લે છે.
કેવું છે વિષ્ણું ભગવાનનું મંદિર ?
જગદીશ્વર વિષ્ણુજીના મંદિરમાં તેમની આજુબાજુ તેમના અન્ય અવતાર અને પરિવાર બિરાજમાન કરવામાં આવ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ, સંકર્ષણ, પ્રદ્યુમન, સૂર્ય, અનિરુદ્ધ, રાગિણી, રાધાકૃષ્ણ, સીતારામ અને વિષ્ણુજીની બરાબર સામે જ ગરુડજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિર અને તેની આજુબાજુનું વાતાવરણ ખુશનુમા અને ભક્તિમય છે જે ભાવિકોને આકર્ષે છે અને જે પણ ભાવિક રાજરાજેશ્વરધામમાં એકવાર દર્શન કરવા આવે તે પછી વારંવાર અહિં આવે છે અને ત્રણેય દેવના સાનિધ્યમાં નવી શક્તિના સંચાર સાથે પાછા જાય છે.
કેવું છે બ્રહ્માજીનું મંદિર ?
લોકેશ્વર બ્રહ્માજીના મંદિરમાં તેમની આજુબાજુમાં તેમના પુત્રો સનક સન્દન સનત સનાતન અને નારદજી, ઈન્દ્ર, કુબેર, સરસ્વતી, તૂંબુરુ ગંધર્વ, વિશ્વકર્મા અને હંસની સુંદર મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી છે જેના દર્શન મનમોહિત છે. બ્રહ્માજીની મૂર્તિ ગુલાબી આરસમાંથી બનાવવામાં આવી છે. જ્યારે મંદિરનું નિર્માણ થયુ અને મૂર્તિ માટે પત્થર મળતો નહોતો ત્યારે રાજર્ષિ ગુરુએ દિશાનિર્દેશ કર્યો ત્યાંથી જ પત્થર મળી ગયો હતો.
ઋષિમુનિઓની મૂર્તિઓ
ત્રણેય દેવોના મંદિરની વચ્ચે ભારદ્વાજ, કશ્યપ, વિશ્વામિત્રી, ગૌતમ, જનદગ્નિ, અત્રિ જેવા ઋષિમુનિઓની મૂર્તિઓ મુકવામાં આવી છે. જે આપણા ઈતિહાસને તાદ્રશ્ય કરાવે છે. જ્યારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે મંદિર પરિસરમાં ચંદન વર્ષા થઈ હતી. આખા મંદિર પરિસરમાં નાના નાના ચંદનના તિલક થયા હતા. જાણે ચંદનના વરસાદી છાંટણા..મંદિરમાં તે સમયે હાજર સૌ ભાવિકોએ ચંદન વર્ષા અને મંદિરમાં આવતી તેની સુવાસની અનુભૂતિ કરી હતી અને આ જ તો શ્રદ્ધા અને આસ્થાની ઝલક છે.
ધજા ચડાવવાનું અનેરુ મહત્વ
દિવ્યાયતને ધજા ચડાવવાનું અનેરુ મહત્વ છે ત્રણેય દેવોની ધજા અલગ અલગ રીતે ચડાવવામાં આવે છે. જ્યાર ધજા ચડાવવાની હોય ત્યારે મંદિરે મોટા ઉત્સવ જેવુ વાતાવરણ સર્જાય છે. વર્ષ દરમ્યાન અમુક ચોક્કસ પવિત્ર દિવસે ભારતભરમાંથી અને વિદેશમાંથી ભાવિકો મંદિરે ધ્વજારોહણના સંકલ્પ સાથે આવે છે.
રમણીય સુધા સરોવર
રાજરાજેશ્વરધામમાં સુંદર રમણીય સુધા સરોવર આવેલુ છે. સરોવરના કિનારે નિજધામમાં માતા ગંગા બિરાજમાન છે અને મંદિરની બહારની બાજુ રાજા ભગીરથની મૂર્તિ સ્વામી રાજર્ષિ મુનિજી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ સરોવરમાં ભારતની બધી પવિત્ર નદીઓના જળ વિધિસર પધરાવીને તેને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યુ છે. સુધા સરોવરે દર વર્ષે ભાદરવા સુદ પાંચમે દૂર દૂરના ગામ તથા શહેરમાંથી બહેનો અને માતાઓ આવે છે. અને સુધા સરોવરમાં સ્નાન કરી ઋષિ પુજન કરે છે. ભાદરવા વદ અમાસ એટલે સર્વ પિતૃ અમાસે અહીંયા સમૂહમાં સર્વ પિતૃ તર્પણ વિધિ કરવામાં આવે છે જેમાં પિંડ દાન સહિત તર્પણ વિધિ કરવામાં આવે છે
ગૌશાળામાં ગીર ગાયોનું સંવર્ધન
મંદિર પરિસરમાં ગૌશાળા આવેલી છે. ગૌશાળા ખૂબ જ સુંદર ગૌમંદિર બનાવવામાં આવ્યું છે. ગૌશાળામાં પ્રવેશતા જ ગાયની સુંદર મૂર્તિ નજરે પડે છે તે મૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિ જડવામાં આવી છે. દુનિયામાં જેટલા પ્રકારની ગાયો છે તે ગાયો વિશે સંશોધન કરેલી માહિતી ટાઈલ્સ પર કોતરણી કરીને દિવાલ પર સજાવવામાં આવી છે. આ ગૌશાળામાં ગીર જાતની ગાયો રાખવામાં આવી છે. આ ગીર જાતની ગાયો મૂળ ગુજરાતની છે. અને ગીર ગાયના સંવર્ધનમાં આ ગૌશાળાનો મહત્વનો ફાળો છે.
સર્વધર્મ પ્રાર્થના સદન
ભગવાને તો સનાતન ધર્મની સ્થાપના કરી જ હતી અને પરંપરા પણ એકેશ્વરવાદના આધ્યાત્મિક સિદ્ધાંતોને અનુસરે છે એટલે જ દિવ્યાયતનની પાછળના ભાગમાં વિશ્વના સાત મુખ્ય ધર્મોનું પ્રતિનિધિત્વ ધરાવતું સર્વધર્મ પ્રાર્થના સદન બનાવવામાં આવ્યું છે જ્યાં હિન્દુ, મુસ્લીમ, શીખ, ક્રિશ્રિયન, બૌદ્ધ, જૈન, પારસી ધર્મના લોકો અહીં આવીને પોતાની પ્રાર્થના કરી શકે છે.અને આ સાતે ધર્મોના ધર્મગુરુઓએ વિધિસર પોતપોતાના ધર્મોના પ્રતિકોની પ્રતિષ્ઠા કરી છે.
મંદિરના બાંધકામમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી
સુંદર ક્લાત્મક કોતરણી જે અહિં આવતા દરેક દર્શનાર્થીઓને આકર્ષે છે. તે રાજરાજેશ્વરધામના દિવ્યાયતન મંદિરના બાંધકામમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફક્ત પત્થર, શીશુ અને સિમેન્ટના ઉપયોગથી જ બનાવવામાં આવેલા મંદિરમાં ચૈતન્ય સ્વરુપે બિરાજમાન શ્રી લોકેશ્વર બ્રહ્માજી, શ્રી જગદીશ્વર વિષ્ણુજી અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીના દર્શન કરી ભાવિકો ખૂબ જ ધન્યતા અને નવી શક્તિના સંચારનો અલૌકિક અનુભવ કરે છે.