નાપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ રિપીટરનું ભરવું પડશે: વર્ગ દીઠ મહત્તમ 10 વિદ્યાર્થીઓને જ પુન: પ્રવેશ મળશે
ખાસ-ખબર સંવાદદાતા
ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અત્યાર સુધી શાળામાં પુન: પ્રવેશ મળતો ન હતો, તેમને ઘેરબેઠાં જ પરીક્ષા આપવા દેવામાં આવતી હતી. પરંતુ તાજેતરમાં જ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે કે હવે ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં પ્રવેશ મળી શકશે. પરંતુ તે વિદ્યાર્થીએ જે સ્કૂલમાંથી ફોર્મ ભરીને પરીક્ષા આપી હશે તે જ સ્કૂલમાં પુન: પ્રવેશ લઇ શકશે, અન્ય સ્કૂલમાં એડમિશન લઇ શકશે નહીં. આ ઉપરાંત ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થી ફરી તે સ્કૂલમાં પ્રવેશ લઈને આખું વર્ષ ભણી શકશે પરંતુ જ્યારે ફરી ધોરણ 10ની પરીક્ષા આપવાની થશે ત્યારે તેણે રિપીટર તરીકે પરીક્ષા ફોર્મ ભરવું પડશે.
- Advertisement -
ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થી હવે સ્કૂલમાં ભણી શકશે તેવા નિર્ણયથી રાજ્યના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ઘેર બેસીને ભણવાને બદલે શાળાએ જઈને શિક્ષણ મેળવીને ફરી પરીક્ષા આપવાનો અને પાસ થવાનો મોકો મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિએ નાપાસ વિદ્યાર્થીઓના નિયમિત પ્રવેશને લઈને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત રાજ્યના શિક્ષણ વિભાગને મોકલવામાં આવી હતી. શિક્ષણ વિભાગે આ દરખાસ્ત પર નિર્ણય લઈ જોગવાઈમાં ફેરફાર કર્યો છે.
અત્યાર સુધી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી ફરી શાળામાં પ્રવેશ મેળવી શકતો ન હતો, પરંતુ હવે આવા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફરી પ્રવેશ લઇ શકશે. રાજકોટ સહિત રાજ્યભરમાં આ વર્ષે પણ ધોરણ 10માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જોકે એક બે વિષયમાં ફેઇલ વિદ્યાર્થીઓની જૂલાઇમાં પૂરક પરિક્ષા લેવાશે. પરંતુ બાકીના નાપાસ વિદ્યાર્થીઓ અગાઉ જે શાળામાં ભણ્યા છે તે સ્કૂલમાં ફરી પ્રવેશ લઇ શકશે.