પીડીતોની જેમ અસરગ્રસ્ત વેપારીઓને પણ નેતાઓએ ‘નોંધારા’ છોડી દીધા
મંડપ કોન્ટ્રાકટરો, કેટરર્સ, બેન્કવેટ હોલ, પાર્ટીપ્લોટ, હાઈવે હોટલો સહિતના ધંધાર્થીઓનું જડબેસલાક બંધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા સરકારી તંત્ર દ્વારા ફાયર સેફટીના કાયદાને આગળ ધરીને આડેધડ સીલીંગ ઝુંબેશ શરૂ કરીને સંખ્યાબંધ હોટેલો, રેસ્ટોરાને સીલ મારી દીધાને પગલે આશરે 2000 ધંધાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
આજે હોટલ-રેસ્ટોરા ઉપરાંત મંડપ કોન્ટ્રાકટરો, કેટરર્સ, બેન્કવેટ હોલ, પાર્ટીપ્લોટ, હાઈવે હોટેલ જેવા ધંધાર્થીઓએ જડબેસલાક હડતાલ રાખીને બંધ પાળ્યો હતો. બહારગામથી ધંધાકીય સહિતના કામે રાજકોટ આવેલા લોકોને ખાવા પીવા માટે ભટકવાનો વખત આવ્યો હતો.
અગ્નિકાંડના પીડિતોની જેમ શાસક નેતાઓ ધંધાર્થીઓ-વેપારીઓની વહારે પણ નહી આવ્યાનો પોકાર પાડવા સાથે તેઓ દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા અગ્નિકાંડ બાદ કોર્પોરેશન, રૂડા સહિતના વિભાગો દ્વારા મોટાપાયે ફાયરસેફટી જેવા નિયમોનું કડક પાલન કરાવવા ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને તેના આધારે સંખ્યાબંધ હોટેલ-રેસ્ટોરા સહિતના ધંધાકીય સ્થાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા. વેપારીઓને ધંધો ગુમાવવા ઉપરાંત રઝળપાટ કરવાનો વખત આવ્યો હતો તેના પગલે મોટા પ્રમાણમાં આક્રોશ સર્જાયો હતો.
હોટેલ-રેસ્ટોરા સહિતના ધંધાર્થીઓ દ્વારા ફેડરેશન ઓફ હોસ્પીટાલીટીની રચના કરવામાં આવી હતી અને તાબડતોડ બેઠક યોજીને તંત્ર સામે મેદાને પડવાનો નિર્ણય લઈ હડતાલ પાડવાનું એલાન કરવામાં આવ્યું હતું. મંડપ કોન્ટ્રાકટરો, બેન્કવેટ હોલ, પાર્ટીપ્લોટ, હાઈવે હોટેલ જેવા સંલગ્ન ધંધાર્થીઓએ પણ તેઓને ટેકો જાહેર કરતા આજે રાજકોટ તથા આસપાસના વિસ્તારોની તમામ હોટેલ-રેસ્ટોરા બંધ રહ્યા હતા. ધંધાર્થીઓએ એવો પોકાર પાડયો હતો કે ફાયર સેફટી અને કમ્પ્લીશન સર્ટીફીકેટ માટે અતિરેકભરી કામગીરી કરવામાં આવે છે. 15 દિવસની નોટીસનો નિયમ હોવા છતાં નોટીસ અપાયાના બીજા જ દિવસે સીલીંગ કામગીરી કરવામાં આવે છે. એટલે ફાયર સેફટી નિયમોના પાલન કરવા માટે ધંધાર્થીઓ પાસે કોઈ સમય જ રહેતો નથી અને ધંધાના સ્થળો સીલ કરી દેવામાં આવે છે.
ધંધાર્થીઓ દ્વારા આજે સવારે ફરી વખત
મીટીંગ યોજવામાં આવી હતી અને સંબંધીત તંત્રોને આવેદનપત્ર સાથે રોષપૂર્ણ રજુઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ધંધાકીય સહિતના કારણોસર બહારગામથી આવેલા સેંકડો લોકોને ખાધા પીધા વિના ભૂખ્યા રહેવાનો વારો
બુકિંગ છતા કેટલાક હોલ સંચાલકો બંધમાં જોડાતા પ્રસંગો રઝળ્યા
સૂત્રોના કહેવા પ્રમાણે હાલ લગ્ન સહિત પ્રસંગોમાં મુર્હુતો છે એટલે અનેક પરિવારોએ બેન્કવેટ હોલ જેવા સ્થળો બુક કરાવ્યા હતા પરંતુ હોલ સંચાલકોએ બુકીંગ રદ કરી નાખ્યા હતા. પરિણામે રાતોરાત પરિવારોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી હતી. હોલ સંચાલકોએ જો કે એમ કહ્યું કે, બુકીંગ કરાવનારાને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી એટલે તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકયા હતા. એસોસીએશને જો કે બુકીંગ હોય તેવા હોલ સંચાલકોને ચાલુ રાખવાની છૂટ આપી હતી છતાં તેઓ હડતાલમાં જોડાયા હતા.