ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢમાં ભવનાથ તળેટી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં ચકડોળ અને રાઇડને બંધ કરાવવામાં આવી છે અનેક પરિવારોની આજીવિકા છીનવાઇ છે. જેથી રાઇડસ શરૂ કરવા મંજૂરી આપવાની માંગ સાથે ચકડોળ ધારકો કમિશનરના નિવાસ સ્થાન બહાર ધરણા પર બેસ્યા હતા.
- Advertisement -
રાજકોટમાં ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ ગેમઝોન સહિત અનેક સ્થળોએ ફાયર સેફટી મામલે તંત્ર દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જૂનાગઢમાં ભવનાથ તળેટી જિલ્લા પંચાયત ગ્રારાઉન્ડમાં ચકડોળ, રાઇડસને મહાનગરપાલિકાના દ્વારા બંધ કરાવવામાં આવી છે. દોઢ માસથી ચકડોળ બંધ થઇ જવાથી અનેક પરિવારો બેરોજગાર બન્યા છે. આવકનું અન્ય સ્ત્રોત ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. જેથી ચકડોળ અને રાઇડ્સને શરૂ કરવાની મંજૂરી આપવાની માંગ સાથે ચકડોળ ધારકો કમિશનરના નિવાસ સ્થાને રજૂઆત માટે પહોંચ્યા હતા પરંતુ કમિશનરને મળવાની ના પાડતા નાના ધંધાર્થીઓ કમિશનરના નિવાસ સ્થાન બહાર જ ધરણા પર બેસી ગયા હતા. જો કે, સમજાવટ બાદ તમામ ચકડોળ ધારકો સોમવારે મનપા કચેરીએ કમિશનરને રજૂઆત કરવા જશે.