– સરકારી યોજના હેઠળ આ વેક્સિન હાલ ઉપલબ્ધ નહીં રહે: પ્રાયમરી ડોઝ પણ આપી શકાશે
દેશમાં કોરોનાની ફરી વધેલી દહેશત વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા બૂસ્ટર ડોઝમાં ઇન્ટ્રાનેઝલ કોવિડ વેક્સિન (નાકેથી આપી શકાય તેવી કોરોના વેક્સિન) આગામી માસથી ઉપલબ્ધ બની જશે અને તેના એક ડોઝની કિંમત રૂા. 800 તથા તેમાં 5% જીએસટી અને ખાનગી હોસ્પિટલો દ્વારા રૂા. 150નો એડમીનીસ્ટ્રેટીવ ચાર્જ લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે જેના કારણે આ વેક્સિનનો એક ડોઝ રૂા. 1000માં ઉપલબ્ધ બનશે.
- Advertisement -
ભારત બાયોટેકની આ વેક્સિનને ગત સપ્તાહે કેન્દ્ર સરકારે બૂસ્ટર ડોઝ તરીકે મંજુરી આપી છે. અને તે દુનિયાની પ્રથમ નેઝલ વેક્સિન છે અને તે વોશિંગ્ટન યુનિવર્સિટીના લાયસન્સ પર તૈયાર કરવામાં આવી છે જેમાં બુસ્ટર ડોઝ અને પ્રાયમરી વેક્સિન તરીકે મંજુરી અપાય છે અને જેઓને કો-વેક્સિન અથવા તો કોવિશિલ્ડના ડોઝ લીધા છે અને 18 વર્ષથી ઉપરના વ્યક્તિ છે તેને બુસ્ટર તરીકે આ વેક્સિન આપી શકાશે.
ભારતમાં મોટાભાગે વેક્સિન લેવા માટે યોગ્ય તમામ લોકોને કોવિડ વેક્સિનના ડબલ ડોઝ આપી દેવામાં આવ્યા છે અને તેથી જ હાલ તેને બૂસ્ટર ડોઝ તરીકે મંજુરી અપાય છે જે આગામી માસના અંત સુધીમાં ઉપલબ્ધ બની જશે. જો કે સરકારની હોસ્પિટલોમાં કે કોઇ ફ્રી યોજના હેઠળ આ વેક્સિન આપવાની હાલ કોઇ જાહેરાત થઇ નથી. નાક મારફત અપાતી આ વેક્સિનમાં કોરોનાના જે વાઇરસ નાક મારફત પ્રવેશે છે તેના સંક્રમણને રોકવામાં અને ફેફસાને સંક્રમીત થતા બચાવવામાં સૌથી મોટી સફળતા મળશે અને તે ડેલ્ટા-બીટા અને ઓમિક્રોન ત્રણેય પ્રકારના વાઈરસ સામે સુરક્ષા આપશે.