અધિકારીઓ, વકીલો અને અરજદારોને ગંદા પાણીમાંથી પસાર થવું પડ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
મોરબીમાં તંત્રની બેદરકારીનું જીવંત ઉદાહરણ આજે જોવા મળ્યું હતું. તાલુકા સેવા સદન અને કોર્ટના ગેટ બહાર ગટરના ગંદા પાણીના તળાવ ઉભા થઈ ગયા, જેના કારણે સરકારી અધિકારીઓ, વકીલો તેમજ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તાલુકા સેવા સદનમાં ગ્રામ્ય મામલતદાર સહિત અનેક અધિકારીઓ બેસે છે, તેમજ બાજુમાં કોર્ટ આવેલ છે. છતાંય, કચેરી બહાર જ ગંદા પાણી ભરાયેલા હોવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, જો અધિકારીઓ જ્યાં બેસે છે ત્યાં જ આ હાલત છે, તો રહેણાંક વિસ્તારોમાં ઉભરાતી ગટર વિશે તંત્ર કેટલું ગંભીર હશે તે સહેલાઈથી અંદાજી શકાય છે. તાજેતરમાં નાગરિકો ચક્કાજામ કરીને પોતાની માંગણીઓ રજૂ કરી ચૂક્યા છે, છતાં તંત્રની નીમ્ભર કામગીરી સામે લોકોમાં નારાજગી વધી રહી છે.