સેવા સેતુ કાર્યક્રમમાં 2089 અરજદારોએ લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાનાં તમામ નાગરિકો વિવિધ સેવાનો લાભ તેના નજીકના સ્થળ પરથી લઈ શકે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર તાલુકાના વિસાવાડા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 22 ગામો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમારના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેઓએ લોકોને ઘર આંગણે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળતો હોવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી તથા જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠકકર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ લોકોને મળી રહે તે માટે દરેક વિવિધ વિભાગના ટેબલો ઉપર કાર્યરત સેવાના સ્થળે પહોંચી અધિકારી અને કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી.
- Advertisement -
નાગરિકોને તેમના કામકાજ માટે કોઈ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. વિસાવાડા, શ્રીનગર, સુખપુર, વડાળા, રીણાવાડા, રાતડી, મિયાણી, ભાવપરા, બરડીયા, પાલખડા, ટુકડા મિયાણી, જાવર, કાટેલા, કુછડી, આંબારામા, મિયાણી, મોઢવાડા, કેશવ, ફટાણા, ક્ધિદરખા અને કોલીખડા સહિતના ગામોના લાભાર્થે આયોજન કરાયું હતું.
આ તકે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખૂટી, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, નાયબ વન સંરક્ષક, પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ સહિત મામલતદાર તાલુકા વિકાસ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.