દ્વારકામાં વિજ્ઞાન જાથાનો 1262મો સફળ પર્દાફાશ
22 વર્ષથી ચાલતી ધતિંગલીલાનો પર્દાફાશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા, તા.14
દ્વારકા બસ સ્ટેશનની સામે, એકતા ગરબી ચોકમાં ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી 22 વર્ષથી દોરા-ધાગા, ભસ્મ-દાણા આપવા, ધૂણવાની તાલીમ આપતી ભુઈ ધનબાઈ, ભુવા ગોરધનભાઈ લુનાવીયાની ધતિંગલીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે દ્વારકા પોલીસ સ્ટેશનની મદદથી 1262મો સફળ પર્દાફાશ કર્યો હતો. રાજકોટ ભક્તિનગર સોસાયટીમાં રહેતા પલાણ પરિવારે 18 લાખ રૂપિયા આપી ભુઈને મંદિર સાથે ઘર રીપેરીંગ કરી દીધાનું બહાર આવ્યું હતું.
બનાવની વિગત પ્રમાણે છેલ્લા બે માસથી જાથાના કાર્યાલયે રૂબરૂ તથા ટેલિફોનથી દ્વારકાની ભુઈ ધનબાઈ, ભુવા ગોરધનભાઈના ધતિંગ સંબંધી માહિતીમાં ભુઈ નવી ભુઈમા તૈયાર કરવા 6 પ્રકારના બાના પહેરાવી ધૂણવાની તાલીમ આપે છે, શરીરમાં ધીમે ધીમે ધ્રુજારી લાવવાની શીખવી નવી ભુઈને પોતાના પરિવારમાં આધિપત્ય આપવાનું શીખવે છે, જુવારના દાણા આપી રોગ મટાડવા સાથે જોવાનું કામ કરે છે, ભસ્મ પીવડાવી, નજર લાગવી, મેલીવિદ્યા દૂર કરવાનું કામ કરી શ્રદ્ધાળુની શક્તિ મુજબ દસ હજારથી દસ લાખનો ખર્ચ કરાવે છે. નવી ભુઈના ઘરે પરિવાર મહેમાનગતિનો લાભ મેળવે છે. શરીરમાંથી મેલીવસ્તુ કાઢવા ભુવો લોઢાની સાંકળનો પ્રયોગ કરે છે. આસ્થાળુઓને પ્રભાવિત કરી માતાજીના નામે મોટી રકમ પડાવે છે.
જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ખરાઈ કરવા બે મહિલા સહિત પરિવારે મોકલતા ધનબાઈ ભુઈમાએ સમસ્યાના ઉકેલ માટે બાળકો જમાડવા, માંડવા કરવાના ખર્ચ દસથી વીસ હજાર આપ્યો હતો. ભુવા ગોરધનભાઈએ મેલી વિદ્યા દૂર કરવા લોઢાની સાંકળ ઉપાડી પ્રયોગ શરૂ કરે તે પહેલાં ડમી માણસોને વાત ફેરવવી પડી હતી. જાથાના માણસો સાંકળનો માર ખાવામાં માંડ માંડ બચ્યા હતા. પુરાવા મળી જતાં પર્દાફાશનું નક્કી થયું હતું.
- Advertisement -
જાથાના જયંત પંડ્યા, ટીમ અને પોલીસ સ્ટાફ એકતા ગરબી ચોકમાં ભુઈ ધનબાઈના ઘરે પહોંચી ગયા. સવારના ભુઈના ઘરે પાંચ-છ લોકો જોવડાવવા બેઠા હતા. બપોર પછી બે મહિલા જોવડાવતી હતી. તેમણે બે હજાર, ચાર હજાર રકમ મૂકી હતી. જોવાનું કામ ચાલુ હતું. જાથાએ પરિચય આપી ભુઈ-ભુવાને જણાવ્યું કે તમારા વીસથી બાવીસ વર્ષથી ચાલતા ધતિંગ બંધ કરાવવા આવ્યા છીએ, દાણા-ભસ્મ પીવડાવી, બિમારને સારવારમાં બાધા નાખવી, માતાજીના બાના પહેરાવી નવી ભુઈમા સ્થાપવી, ધૂણવાનું શીખવવું જેનાથી સમાજનું અહિત થાય છે. અમુક પ્રવૃત્તિ નવા વિધેયક મુજબ ગુન્હાને પાત્ર છે.
કબુલાતનામામાં હું ધનબાઈ, ભુવા ગોરધનભાઈ નારણભાઈ લુનાવીયા, આલાબાઈ માતાજી, ગાત્રાળ માતાજીની સેવાપૂજા કરીએ છીએ, લોકોના દુ:ખ-દર્દ, દાણા જોવાનું કામ કરતા હતા. આજથી છેલ્લા 20થી 22 વર્ષથી ઘરમાં માતાજીના સ્થાનકે જોવાની તમામ પ્રવૃત્તિ બંધની જાહેરાત કરીએ છીએ. લોકોની માફી માંગી જોવાનું બંધની જાહેરાત કરીએ છીએ.
જાથાના ચેરમેન પંડ્યાએ પોલીસ સ્ટેશનથી રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવનો વિશેષ આભાર માન્યો હતો. જાથાને દિલથી મદદ કરી હતી.
ભુઈ-ભુવાના પર્દાફાશમાં પોલીસ સ્ટેશનના પો.ઇ. ભટ્ટ, પીએસઆઈ એન. ડી. કલોતરા, મહિલા પીએસઆઈ ચુડાસમા, પીએસઆઈ જાડેજા, રાઈટર પી.એસઓ, સ્થળ ઉપર રાજદિપસિંહ હરિશચંદ્રસિંહ, ઋતુરાજસિંહ હરદેવસિંહ, મહિલા કોન્સ્ટે. ઉર્વિશાબેન મનજીભાઈએ મદદ કરી હતી. જાથાની ટીમના અંકલેશ ગોહીલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, રમેશ પરમાર, ભાવનાબેન વાઘેલા એડવોકેટ, ભાનુબેન ગોહિલે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી.