વિદ્યાર્થીઓમાં ચૂંટણી પ્રક્રિયા તેમજ નેતૃત્વના ગુણ વિકસાવવા નવતર પહેલ
ખાસ-ખબર સંવાદદાતા
શાળા કક્ષાએથી જ બાળકો ચૂંટણી પ્રક્રિયાથી અવગત થાય અને મતદાનનું મહત્વ સમજે તે માટે વિવિધ પ્રયાસો અવાર-નવાર કરવામાં આવતા હોય છે જેમાં શાળાઓ પણ સહભાગી થઈને સહકાર આપતી હોય છે ત્યારે આવી જ કંઈક નૂતન પહેલની સાક્ષી બની છે હળવદની ડી. વી. પરખાણી પે. સે. શાળા નં. 7 કે, જ્યાં બાળકોને જ ચૂંટણી પ્રક્રિયા તેમજ મતદાનનો સીધો ભાગ બનાવવામાં આવે છે.
- Advertisement -
હા, વાત છે… હળવદની ડી. વી. પરખાણી પે. સે. શાળા નં. 7 ની કે જેમાં બાળકોને ચૂંટણીનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય, બાળકોમાં નેતૃત્વના ગુણ વિકસે તે માટે દર વર્ષે શાળામાં શાળા પંચાયતની ચૂંટણી કરી પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ ચૂંટણી કરી પ્રમુખની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સાત ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી રીતુબેન રમેશભાઈ કુડેચા બહુમતીથી ચૂંટાઈને પ્રમુખપદના દાવેદાર બન્યા હતા જેમને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રક્રિયામાં શાળાના આચાર્ય, સામાજીક વિજ્ઞાનના શિક્ષક, બી.એલ.ઓ. તથા સ્ટાફ પરિવારે સહકાર આપી બાળકોને ચૂંટણીના કાર્યનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો હતો તેમજ બાળકોએ પણ ચૂંટણીના આ પર્વને હર્ષથી વધાવી
લીધો હતો.