ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભેસાણ તાલુકાના ડમરાળા ગામે ઉત્સાહભેર ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર- રાજ્ય-સરકારની જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી અને તેના લાભો આપવાના ઉદ્દેશ્ય સાથે ગામે ગામ ફરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભેંસાણ તાલુકાના ડમરાળા ગામે પહોંચી હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ભૂગર્ભ જળ સ્તર ઊંડા જઈ રહ્યા છે, ત્યારે ચેકડેમ બનાવવા માટે જરૂરી દરખાસ્ત કરવા પણ ગ્રામજનોએ રજૂ કરેલા પ્રશ્ન સંદર્ભે જણાવ્યું હતું.આ તકે ગ્રામજનોએ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો ઉપરાંત પશુ આરોગ્ય કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. સાથો સાથ આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન સહિતના વિભાગની પ્રજાકીય યોજનાઓની લોકોને જાણકારી આપવામાં આવી હતી. તેમજ વિકસિત ભારત માટે ગ્રામજનો સંકલ્પબદ્ધ થયા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ સહિત જુદા જુદા યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. ઉપરાંત જુદી જુદી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.