જિલ્લામાં ખેડૂતોના પાકને થયેલ નુકશાની અંગે સર્વે કરવા સૂચના આપી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અને તેનાં અનુસંધાને કરવામાં આવેલ કામગીરીથી મંત્રીને વાકેફ કર્યા હતા. જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે જિલ્લામાં થયેલી કામગીરી અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં વરસાદની સ્થિતિને પગલે ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. તેમણે જિલ્લામાં અતિવૃષ્ટિનાં કારણે માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, રોડ-રસ્તાઓ, સ્થળાંતર, રેસ્ક્યુ, ડેમોની સ્થિતિ, રાહત બચાવ કામગીરી અને મૌસમના કુલ વરસાદની સ્થિતિ અંગે મંત્રી રાઘવજી પટેલને વિગતવાર જાણકારી આપી હતી.
બેઠકમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવતા જરૂરી માર્ગદર્શન આપી એલર્ટ રહેવા સૂચના આપી હતી. વધુમાં તેમણે વરસાદની સ્થિતિ સામાન્ય થયા બાદ ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી માટેનું આગોતરુ આયોજન ઘડી કાઢવા જણાવ્યું હતું. વીજ પુરવઠો યથાવત રહે અને જ્યાં ખોરવાય તે વિસ્તારોમાં ફોલ્ટની ફરિયાદો સાંભળવા માટે ટીમ કાર્યરત રહે તેની વિશેષ કાળજી રાખવા માટે સૂચના આપી હતી. વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, ગંદકીનો નિકાલ કરાવવા સહિત રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ અને ક્લોરિનેશન સહિતનાં તકેદારીના પગલાં ઝડપથી ભરવા, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, ભારે વરસાદના કારણે જિલ્લામાં ખેતીવાડીને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવા અને તમામ વિભાગોને સંકલનમાં રહી કામગીરી કરવાનાં નિર્દેશ આપ્યા હતા.