હળવદના દુષ્કર્મ કેસના આરોપીએ મોડી રાત્રે ગળેફાંસો ખાઈ લેતા ચકરાર
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પંથકની સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી જવાના કેસમાં સબ જેલમાં સજા ભોગવી રહેલ કાચા કામના કેદીએ ગત મોડી રાત્રે મોરબીની સબજેલમાં બેરેકના બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
- Advertisement -
આ બનાવ અંગે જેલ સહાયક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
મોરબીની સબજેલમાં બેરેક નંબર 10 ના બાથરૂમમાં ગઈકાલે મોડીરાત્રે કાચા કામના કેદી એવા વિશાલ ગોબરભાઈ ચોવસિયા નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આ બનાવ અંગે જેલ સહાયક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે, રાત્રીના અઢી વાગ્યાના અરસામાં જેલમાં બેલ વાગતા બેરેક નંબર 10 માં તપાસ કરતા કોઈ કેદી કે જે બેરેકના બાથરૂમમાં ગયો હતો અને તે કેદી એકાદ કલાક સુધી પરત ન આવતા જાણ થવાથી પાછળથી જઈને બેરેક નંબર 10 ના બાથરૂમની બારીમાં તપાસ કરતા જેલનો કેદી કે જે બાથરૂમમાં ગયો હતો તે લટકતી હાલતમાં જોવા મળ્યો હતો અને ગળેફાંસો ખાઈને જેલના કેદીએ આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું હતું.
- Advertisement -
આ બનાવને પગલે ડીવાયએસપી સહિતના અધિકારીઓને જાણ થતા આ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી અને મૃતદેહને સિવિલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો. આપઘાત કરી લેનાર આરોપી વિશાલ ગોબરભાઈ ચોવસિયા મૂળ જસદણ પંથકનો રહેવાસી હોવાનું અને હળવદ પંથકની સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયા બાદ આરોપી વિરુદ્ધ 363, 366, 376(2) પોકસો અને એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો નોંધાતા તાજેતરમાં જ ભોગ બનનાર અને આરોપી ઝડપાઈ જતાં વિશાલને કાચા કામના કેદી તરીકે મોરબી સબજેલમાં મોકલી અપાયો હતો જ્યાં ગતરાત્રીના આરોપી વિશાલે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે જેલતંત્રમાં દોડધામ મચી ગઇ છે અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.