SCA શિસ્તભંગના પગલાં લેશે: જયદેવ શાહ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રની ઞ-23ની ક્રિકેટ ટીમ સી.કે.નાયડુ ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચ રમવા ચંદીગઢ ગઈ હતી. મેચ જીતીને પરત ફરતી વખતે પાંચ ખેલાડીએ પોતાની કિટમાં દારૂ-બીયરનો જથ્થો છુપાવી દીધો હતો. જોકે ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાંચેય કિટ કબજે કરી લીધી હતી. આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે મીડિયા સાથેની વાતચીતના કહ્યું હતું કે, જે કોઈપણ જવાબદાર હશે તેમની સામે ડિસિપ્લિનરી એક્શન કમિટી દ્વારા શિસ્ત ભંગના પગલા લેવામાં આવશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કોઈને પણ બચાવવા માગતું નથી. ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ સૌરાષ્ટ્રની ઞ-23ની ટીમ સી.કે.નાયડુ ટુર્નામેન્ટની મેચ રમવા ચંદીગઢ ગઇ હતી. મેચમાં જબરદસ્ત દેખાવ કરી સૌરાષ્ટ્રની ટીમે જીત મેળવી હતી.
સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમ સી.કે.નાયડુ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ રમવા ચંદીગઢ પહોંચી હતી. જ્યાં સૌરાષ્ટ્રની ટીમ વિજેતા બની હતી. જીતથી ખેલાડીઓનો જુસ્સો આસમાને પહોંચ્યો હતો અને તા.25ના ચંદીગઢથી રાજકોટ આવવા ખેલાડીઓ ફ્લાઇટમાં રવાના થયા હતા. તેમની કિટ સહિતનો સામાન ઇન્ડિગોના કાર્ગોમાં રવાના થવાનો હતો. ચંદીગઢ એરપોર્ટ પર કાર્ગોમાં રહેલો સામાન કસ્ટમ વિભાગ ચેક કરી રહ્યો હતો. ત્યારે ક્રિકેટની 5 કિટમાંથી 27 બોટલ દારૂ અને બે પેટી બીયરનો જથ્થો મળી આવ્યો હતો. કાર્ગોમાં દારૂ-બીયરના જથ્થાની હેરાફેરી બહાર આવતાં જ કસ્ટમ વિભાગે કાર્ગોનું કામ સંભાળતી એજન્સી સામે લાલ આંખ કરતાં ઇન્ડિગોના કાર્ગો વિભાગે તપાસ કરી હતી અને જે પાંચ કિટમાંથી દારૂ-બીયરનો જથ્થો મળ્યો હતો તે પાંચેય કિટ સૌરાષ્ટ્રની ઞ-23 ટીમના પાંચ ખેલાડીની હોવાનું ખુલ્યું હતું. ઇન્ડિગોના કાર્ગો વિભાગે આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને જાણ કરી કયાં કયાં ખેલાડીની કિટ હતી તેના નામ મંગાવ્યા હતા. દારૂ-બીયરનો જથ્થો સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમના પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મહેતા, પાર્શ્વરાજ રાણા અને સ્મિતરાજ ઝાલાની કિટમાંથી મળી આવ્યાનો પર્દાફાશ થયો હતો.
ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે
આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ હું અબુધાબી છું, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ ક્રિકેટરોના લગેજમાંથી દારૂ-બીયર મળી આવ્યાની ઘટના જાણવા મળી છે તો આ બાબતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે કડક પગલા લેશે. જે માટે એસોસિએશનની ડિસિપ્લિનરી એક્શન કમિટી તપાસ કરશે અને સમગ્ર ઘટના કઈ રીતે બની? તે પણ તપાસશે. આ ઘટનામાં અમે કોઈને પણ બચાવવા માંગતા નથી. ક્રિકેટરો બહારગામ રમવા જતાં હોય છે ત્યારે લગેજમાં શું નાખીને લઈ આવે છે તે અમને અહીં બેઠા ખ્યાલ ન હોય તે સ્વાભાવિક છે, પરંતુ આ ઘટનામાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે. જવાબદારો સામે કડક પગલા લેવામાં આવશે.