ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજનામાં રહેતો એક ઇસમ ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જીએ દરોડો પાડયો હતો જેમાં તેના ઘરમાંથી 1 કિલો 17 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો અને પૂછપરછ કરતા આ જથ્થો તે જામનગરની મહિલા પાસેથી લાવ્યાની કબુલાત કરતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે. પોરબંદરના બોખીરામાં આવેલ આવાસ યોજનાના બ્લોક નં-23ના કવાર્ટર નંબર-43માં રહેતો અને છૂટક મજૂરી કરતો નિઝામ ઉર્ફે એજાજ મુનાફ બુખારીએ તેના ઘરમાં ગાંજો ઉતાર્યો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો હતો જેમાં નિઝામના ઘરમાંથી લીલાશ પડતા ભુખરા જેવા રંગના પાંદડા અને ડાળખી સાથેનો 1 કિલો 17 ગ્રામ ગાંજો કે જેની કિંમત રૂા.10,170 થવા જાય છે તે મળી આવ્યો હતો. તે ઉપરાંત તલાશી લેતા 8 હજારનો મોબાઇલ અને 500 રૂા.નો વજનકાંટો પણ કબ્જે કરવામાં આવ્યો હતો. આ નિઝામ ગાંજાનું જોખી- જોખીને છુટક વેચાણ કરતો હોવાની પોલીસને શંકા ગઇ હતી.
- Advertisement -
પોલીસ દ્વારા નિઝામ ઉર્ફે એજાજની અટકાયત કરીને વધુ પૂછપરછ કરતા તેણે એવું જણાવ્યુ હતુ કે જામનગરના અરબના જમાતખાના પાસે રહેતી નુસરત જાવિદ સીદીક સૈયદ નામની મહિલા પાસેથી પોતે આ ગાંજો મેળવ્યો છે તેથી પોલીસે નુસરત સામે પણ એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુન્હો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.