વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા ફળ, વૃક્ષોના રોપાનું વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
પર્યાવરણીય જાગૃતિ અને હરિયાળું ગીર સોમનાથ સર્જવાના અભિગમ સાથે વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજના એન.એસ.એસ યુનિટ દ્વારા “એક પેડ મા કે નામ 2.0” અભિયાન અંતર્ગત ફળ તથા છાયાદાર વૃક્ષોના રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના આચાર્ય ડો. એસ. બી. છગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એન.એસ.એસના સ્વયંસેવકો દ્વારા 100થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા આ રોપાઓ કોલેજ આસપાસના રહેવાસીઓને આપવામાં આવ્યાં હતાં. જેથી તેઓ તેમના ઘરના આંગણામાં, ખાલી પ્લોટમાં કે બાગમાં વૃક્ષારોપણ કરી શકે. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. સચિન એમ. સીતાપરાના સંચાલનમાં વિશેષ તકેદારી રાખી વિદ્યાર્થીઓએ આ છોડના રોપા આપવાની સાથે જ પ્રત્યેક નાગરિકો પાસેથી વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેનાથી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સંવેદના વધુ મજબૂત બને.