ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલી કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ ખાતે વિકસિત ભારત 2047 યુવાઓનો અવાજ કાર્યક્રમ યોજાયો હતો. કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મત્સ્યવિભાગને સ્વતંત્ર વિભાગ બનાવીને મત્સ્યસંપદા, ઈન્ફાસ્ટ્રકચર ફંડ સહિતની યોજનાઓ માટે અત્યાર સુધીમાં રૂ.37 હજાર કરોડની ફાળવણી કરી છે. ઇસરોના સાથે મળીને નવી ટેકનોલોજીથી કોમ્યુનિકેશનની વ્યવસ્થાઓ વિકસિત કરવામાં આવી રહી છે, જેના ઉપયોગથી ભવિષ્યમાં માછીમારો માટે કોમ્યુનિકેશનનની વ્યવસ્થાઓ વધુ સરળ બનવાની છે. નેનો ટેકનોલોજીના ઉપયોગના કારણે આજે નેનો યૂરિયા થેલીઓને બદલે બોટલમાં ખેડૂતોને મળતું થયું છે. ડેરી ઉધોગ સહિતના ક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગ થકી આજે આપણે આગવું સ્થાન ધરાવતાં થયાં છીએ. મત્સ્યોદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નવા આઈડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સહિયારા પ્રયાસો થકી વડાપ્રધાનના વિકસિત ભારત-2047 વિઝનને સાકાર કરવાનું છે.
વેરાવળમાં ‘વિકસિત ભારત 2047 યુવાઓનો અવાજ’ થીમ પર કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
