પોલીસ કમિશનરે ચોરાયેલા મોબાઈલ, બાઈક અને 2.68 લાખની રોકડ રકમ મૂળ માલિકને પરત કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે ’ત્રણ વાત તમારી ત્રણ અમારી’ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડી. પોલીસ કમિશનર વિધિ ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.બારોટ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ અમારીની મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. પોલીસ અને નાગરિકો વચ્ચે એકાત્મતા કેળવાય, બન્ને વચ્ચેના સમન્વયમાં વધારો થાય તેમજ નાગરિકોના પ્રશ્ર્નોનું ઝડપથી નીરાકરણ આવે તે માટે કોમ્યુનીટી પોલીસીંગ” ખુબજ અગત્યનુ છે પોલીસ સ્થાનિક નાગરિકોની સમસ્યાઓ અને અપેક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની ફરજો નીભાવે તેમજ તે અનુસાર કામગીરીને પ્રાથમિકતા આપે તેમજ સામાન્ય પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરે તે જરૂૂરી છે. બી ડિવિઝનલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બાઈક ચોરી, રોકડ રકમની ચોરી સહિતના ઉકેલાયેલા ગુનાની વસ્તુઓ મૂળ માલિકને બોલાવી પરત કરી હતી. પોલીસ કમિશનરે ચોરાયેલા મોબાઈલ, બાઈક અને 2.68 લાખની રોકડ રકમ મૂળ માલિકને પરત કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર નયનાબેન પેઢડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.