જૂનાગઢ જેલમાં ગુજસીટોકના આરોપીનું હાર્ટ એટેકથી મૃત્યુ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લા જેલમાં બંધ અને ઊનાના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ કરનાર ગુજસીટોકના આરોપી ભગા ઉકાભાઈ જાદવ (40 વર્ષ) નું બુધવારે સવારે હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામનો રહેવાસી ભગા જાદવ ગુજસીટોકના ગંભીર ગુના હેઠળ ગત 10 જુલાઈ થી જૂનાગઢ જેલમાં બંધ હતો. જેલ અધિક્ષક ડી. એમ. ગોહિલના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે 10:40 વાગ્યે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ 11 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. ધારાસભ્ય પરના આક્ષેપોથી ગરમાયું હતું રાજકારણ ગરમાયું હતું. મૃતક ભગા જાદવ તાજેતરમાં જેલમાંથી લખેલા એક પત્રને કારણે ભારે ચર્ચામાં રહ્યો હતો. તેણે ઊનાના ધારાસભ્ય કે. સી. રાઠોડ પર ગંભીર આક્ષેપ કર્યા હતા કે તેઓ તેના દારૂના ગેરકાયદેસર વ્યવસાયમાં ભાગીદાર હતા. પત્રમાં તેણે દાવો કર્યો હતો કે ધારાસભ્યના કહેવાથી અને તેમના વિશ્વાસ પર જ તેણે આ કારોબાર કર્યો હતો. આ આક્ષેપોને પગલે રાજકીય આલમમાં ભારે ગરમાવો આવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



