પ્રજાના આરોગ્ય પ્રશ્ર્ને કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપામાં છેલ્લા ઘણા સમયથી બીનઅનુભવી અને કહ્યાગરા પદાધિકારીઓના કારણે રાજકોટ મ.ન.પા.નું તંત્ર અધિકારી રાજની જેમ ચાલી રહ્યું છે. મ.ન.પા.ના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામનો અનુભવ ન હોવાના કારણે ક્યાંક અધિકારીઓ ઉંધા ચશ્મા પહેરાવી શાસકોને પ્રજાહિતના નિર્ણયો લેવા દેતા નથી. ત્યારે પ્રજાના આરોગ્ય પ્રશ્ને કોંગ્રેસ દ્વારા મનપા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા ઘણાં દિવસોથી સમગ્ર શહેરમાં ઋતુજન્ય રોગચાળો વકરતો જાય છે. તેમજ મચ્છરજન્ય રોગચાળાથી થતાં રોગો અને પાણીજન્ય રોગચાળાથી થતા રોગોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. શહેરના દરેક વોર્ડમાં અને દરેક સોસાયટીમાં ઘરે-ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળે છે અને ચીકનગુનિયા-ડેંગ્યુ-ઝડા ઉલ્ટી-તાવ-મેલેરીયા સહિતના રોગચાળાઓ શહેરના જન આરોગ્યને વ્યાપક પ્રમાણમાં ભરડો લઇ જાણે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા તરફ આગળ વધી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે અને આ રોગચાળામાં શહેરના સામાન્ય નાગરીકથી લઇ શાસક પક્ષ ભાજપના નગરસેવકો પણ ઝપટે ચડી ગયા છે. છતાં પણ નિંભર તંત્ર અને મનપાના ભાજપના શાસકો રોગચાળાને રોકવા માટે કોઇ નક્કર પગલાં ભરવામાં નિષ્ફળ પુરવાર થઇ રહ્યા છે.
ત્યારે કોંગ્રેસ દ્વારા આજે મનપાના નિભંર તંત્રને ઢંઢોળવા માટે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. રોગચાળાને કાબૂમાં લેવા માટે શહેરના આરોગ્ય કેન્દ્રો-સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી લેબોરેટરીઓ અને ખાનગી દવાખાનાઓ પાસેથી રોજે-રોજના દર્દીઓને સારવાર અને ટેક્સટીંગના આંકડાઓ મંગાવવામાં આવે તેમજ આરોગ્ય વિભાગમાં મેલેરીયા વર્કરો અને અન્ય સ્ટાફની પરિસ્થિતિ અનુસાર તાત્કાલિક ભરતી કરી રોગચાળાને રોકવા ડોર ટુ ડોરની સક્ષમ અધિકારીના સુપરવિઝન નીચે કામગીરીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.