કલેકટરે જિલ્લાના અધિકારીઓને પ્રિ-મોન્સુન અંતર્ગત કામગીરી કરવા માર્ગદર્શિત કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સંકલન હોલ, ઈણાજ ખાતે ચોમાસા પહેલાની આગોતરી તૈયીરીઓ અંગેની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેકટરએ પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં,તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર કરી શકાય તેવાં વિસ્તારો ચકાસી લેવાં જણાવ્યું હતું. તેમજ પાણી ભરાવાના પ્રશ્નો ન રહે અને વોકળા,ગટરની સાફ-સફાઇ સમયસર થઇ જાય અને જર્જરીત પુલો,કોઝવે સહિતનું સમારકામ કરીને તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને વહેલી તકે કાર્ય કરીને રિપોર્ટ કરવા સૂચના આપી હતી. તદુપરાંત, કલેકટરએ જિલ્લામાં જ્યાં- જ્યાં જર્જરિત મકાનો હોય તો તેવા મકાનોની ખાતરી કરી આવા જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
કલેક્ટરએ રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકિદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. તેમજ આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા સાથે ચોમાસાના સમયગાળા દરમ્યાન સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે અધિકારીઓ માર્ગદર્શિત કર્યા હતા.