ખાસ-ખબર ન્યૂઝ અમરેલી, તા.13
અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દિલીપ સંઘાણીને બીજીવખત બિનહરીફ ઇફકોના ચેરમેન થવા બદલ દિલીપ સંઘાણીનું સન્માન કરવામા આવ્યું હતું. જેમા ભાજપના કાર્યકર્તાઓ અને હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર જીલ્લાના હોદેદારોએ દિલીપભાઇને જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે દિલીપ સંઘાણીએ ઇફકોની કામગીરી અને ખેડૂતોને થતાં ફાયદાઓની વાત કરી હતી. તેમજ ગત રાત્રીએ અમરેલીના લાઠી રોડ પર આવેલ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે જન્મદિવસ નિમિતે અભિવાદન સમારોહનું આયોજન કરવામા આવ્યું હતું. 70 વર્ષ પૂર્ણ કરી 71 માં પ્રવેશતા દિલીપ સંઘાણીએ શક્તિપ્રદર્શન કર્યુ હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. દિલીપ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે સન્માનના કાર્યકમમાં જયેશ રાદડિયા, પુરષોતમ રૂપાલા, નિતિન પટેલ, આરસી ફળદુ, બાવકુભાઇ ઉઘાડ, ડો.ભરત કાનાબાર નારણ કાછડીયા એક મંચ પર જોવા મળ્યા હતાં. આ સાથે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક કૌશિક વેકરીયા, મહેશ કસવાળા, જે.વી.કાકડીયા, જનક તળાવીયા, હીરા સોલંકી સહિતના ધારાસભ્યોની આંખે વળગે તેવી ગેરહાજરી જોવા મળી હતી. અમરેલી જિલ્લામાં ભાજપમાં જૂથવાદની સ્થિતિએ દિલીપ સંઘાણીનું શક્તિપ્રદર્શન યોજાયુ હતું. આ કાર્યક્રમમાં ભાજપના હોદેદારો, પત્રકાર મિત્રો, સ્થાનિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.