24 વર્ષીય કોન્સ્ટેબલ વર્કઆઉટ કરતા અચાનક ઢળી પડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા કેટલાક દિવસોથી જિમમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. હવે હૈદરાબાદમાં પણ એક આવો કિસ્સો સામે આવ્યો છે. અહીં 24 વર્ષના પોલીસ કોન્સ્ટેબલને જિમમાં વર્કઆઉટ કરતી સમયે હાર્ટ એટેક આવ્યો. જિમમાં બેભાન થવાના કારણે તેને નજીકની હોસ્પિટલ લઈ જવાયો પરંતુ ફરજ પરના ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક સિપાહીના મોતનું કારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યું છે. મૃતક સિપાહીનું નામ વિશાલ છે અને તે બોવેનપલ્લીનો રહેવાસી હતો. હૈદરાબાદના આસિફ નગર પોલીસ સ્ટેશનમાં તે કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર રોજની જેમ તે જિમમાં વર્કઆઉટ માટે ગયો હતો. જ્યાં તે અચાનક બેભાન થયો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં તે પુશઅપ્સ કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તે અન્ય એક્સરસાઈઝ માટે જિમના બીજા ભાગમાં જાય છે. અહીં તેને ખાંસી આવે છે. તે વધતા કોન્સ્ટેબલ બેભાન થઈને પડી જાય છે. જિમમાં અન્ય લોકો તેની મદદ કરવા દોડે છે. જિમ ટ્રેનર તેને ભાનમાં લાવવાની કોશિશ કરે છે. તેની તરફથી કોઈ હરકત જોવા ન મળતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. આ સમયે ફરજ પરના ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.