આખા વિશ્વમાં રહસ્યોની હારમાળા ધરાવતાં દેશોની યાદીમાં ભારતનું નામ સૌથી ટોચ પર મૂકી શકાય.
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
હજુ પણ આપણા દેશમાં એવા અનેક ધર્મસ્થળો છે, જ્યાંની લૌકિક-અલૌકિક વાતો સમજવામાં માનવ-મગજ નિષ્ફળ ગયું છે. ઉત્તરપ્રદેશનાં મથુરા ડિસ્ટ્રિક્ટમાં આવેલું નિધિવન મંદિર આમાંનુ એક છે! શ્રીકૃષ્ણે પોતાનું બાળપણ અહીં વિતાવ્યું હોવાની માન્યતાને કારણે નિધિવનનાં આ ધાર્મિક સ્થળને ‘બાંકે બિહારી મંદિર’ના નામે પણ ઓળખવામાં આવે છે. કાન્હાનાં અનેક નામો છે. મુરલીધર, ગિરિધર, લીલાધર, રણછોડ વગેરે જેવા દરેક નામો કૃષ્ણની લીલા સાથે સંકળાયેલા છે. દેવકી અને વાસુદેવનાં આઠમા પુત્ર અને શ્રી હરિનાં આઠમા અવતાર એવાં શ્રીકૃષ્ણે પોતાનાં જીવનકાળ દરમિયાન પુષ્કળ ચમત્કારો કર્યા છે, જેને આજે આપણે કૃષ્ણલીલાનું નામ આપ્યું છે.
- Advertisement -
મથુરાની તમામ ગોપીઓ અને રાધા કૃષ્ણને અત્યંત પ્રિય હતી. વૃંદાવનમાં કૃષ્ણ તેમની સાથે હંમેશા રાસલીલા રમતાં. નિધિવનનાં બાંકે બિહારી મંદિરની ગાથા પણ કૃષ્ણની રાસલીલા સાથે જ સંકળાયેલ છે. મંદિરનો મોટો ભાગ એકસરખા આકાર અને કદ ધરાવતાં ઘેઘુર વૃક્ષોનાં જંગલથી ઘેરાયેલો છે, અહીં સર્વત્ર લીલોતરી છે. ક્યાંય સૂકા કે પાન વગરનાં વૃક્ષોનું નામોનિશાન નથી. આશ્ચર્યની વાત તો છે કે વનની જમીન તદ્દન સૂકી હોવા છતાં સામાન્ય વૃક્ષોની માફક બાર માસ દરમિયાન અહીં ક્યારેય પાનખર ઋતુ દેખા નથી દેતી. એકપણ વૃક્ષનું થડ સુરેખ રેખામાં જમીન સાથે જોડાયેલું નથી. દરેક થડ-ડાળી એકબીજા સાથે વીંટળાઈને ગૂંચળુ બનાવે છે. ગામનાં લોકો દ્વારા ક્યારેય અહીંના વૃક્ષોને પાણી આપવામાં નથી આવતું. છતાં એકપણ વૃક્ષની ઘેઘુર ઘટામાં રતીભારનો ફેરફાર નથી નોંધાયો!
વનની વચ્ચોવચ આવેલા મંદિરની ઉંચી દીવાલો રાતનાં સમયે આગંતુકને મંદિરમાં પ્રવેશતાં રોકે છે. પ્રવેશ માટે મંદિરનાં આગળનાં ભાગમાં એક દરવાજો મૂકવામાં આવ્યો છે, જે ફક્ત સાંજના આઠ વાગ્યા સુધી જ ખુલ્લો હોય છે. રાધા-શ્રીકૃષ્ણની મૂર્તિની સંધ્યા-આરતી બાદ મંદિરને મોટા તાળા વડે લોક કરી દેવામાં આવે છે, જેથી ભૂલેચૂકેય કોઈ વ્યક્તિ અંદર જવાની હિમ્મત ન કરી શકે! સ્થાનિક લોકોની માન્યતા મુજબ, મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણ અને રાધા બંને આ મંદિરમાં સૂક્ષ્મદેહે પ્રવેશ કરે છે. વૃંદાવનની તમામ ગોપીઓ પણ અહીં રાસલીલા રમવા આવે છે. ગામવાસીઓને અડધી રાત્રે મંદિરનાં ગર્ભગૃહમાંથી ‘ઘુંઘરૂ’ ખનકવાનાં અવાજો સંભળાય છે.
- Advertisement -
ગીતા ગોવિંદ તથા ભગવતપુરાણ જેવા હિંદુ ગ્રંથોમાં રાધા-કૃષ્ણની રાસલીલાનો વિસ્તૃત ઉલ્લેખ આપેલો છે. કૃષ્ણની 16,000 પટરાણીઓ વિશે પણ ઘણી કથાઓ પ્રચલિત છે. નવાઈની બાબત એ છે કે નિધિવનમાં આવેલ કુલ વૃક્ષોની સંખ્યા પણ 16,000 છે!
લોકોનું માનવું છે કે આ વૃક્ષો ખરેખર કૃષ્ણની ગોપીઓ છે, જે રાત્રે રૂપ બદલીને મંદિરમાં રાસ રમવા જાય છે અને સવાર પડ્યે ફરી પાછો મૂળ અવતાર (વૃક્ષ) ધારણ કરી લે છે!
મંદિરની કથા જાણી ઘણા જિજ્ઞાસુ અહીં કૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન માટે ખેંચાઈ આવે છે. જ્યારે-જ્યારે કોઈ વ્યક્તિએ મંદિરમાં રાત પસાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ત્યારે તેઓ ભયાનક ઘટનાઓનો ભોગ બન્યા છે. મંદિરનાં ગર્ભગૃહમાં રાત્રિ ગાળી ચૂકેલો દરેક વ્યક્તિ કાં તો મૃત્યુને ઘાટ ઉતરી ગયો છે અથવા બહેરો, મૂંગો કે આંધળો થઈ ગયો છે! આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને મંદિરનાં પુજારીઓ પણ હવે સાંજે આઠ વાગતાં પહેલા પોતપોતાનાં ઘરે પાછા ફરી જાય છે. ગામનાં લોકો પોતાનાં ઘરનાં બારી-બારણા વાસી દે છે. પ્રાત:આરતી પહેલા કોઈ વ્યક્તિ ઘરનાં દરવાજા નથી ખોલતું. ઘેર જતાં પહેલા પૂજારીઓ કૃષ્ણ-રાધા માટે પલંગ સજાવે છે. જેનાં પર ફૂલની ચાદર પાથરી ઘરેણા, સાડી, લીમડાંના બે દાતણ, બંગડી, ઝાડનાં પાન, પીવા માટે પવિત્ર જળ અને લાડુ તૈયાર રખાય છે. સવારે આ તમામ વસ્તુઓ વિખરાયેલી અવસ્થામાં જોવા મળે છે. પાન ચવાયેલા પડ્યા હોય છે, પાણીનો જગ ખાલી થઈ ચૂક્યો હોય છે, લાડુ ખવાઈ ગયા હોય છે અને પલંગ પરનાં ફૂલો પણ અસ્તવ્યસ્ત અવસ્થામાં મળી આવે છે!
મુરલીધર, ગિરિધર, લીલાધર, રણછોડ વગેરે જેવા દરેક નામો કૃષ્ણની લીલા સાથે સંકળાયેલા છે, દેવકી અને વાસુદેવનાં આઠમા પુત્ર અને શ્રી હરિનાં આઠમા અવતાર એવાં શ્રીકૃષ્ણે પોતાનાં જીવનકાળ દરમિયાન પુષ્કળ ચમત્કારો કર્યા છે, જેને આજે આપણે કૃષ્ણલીલાનું નામ આપ્યું
જોવા જેવી વાત છે કે આજુબાજુનાં વાંદરાઓ પણ સંધ્યા સમય બાદ મંદિરથી દૂર ભાગી જાય છે. જંગલનાં વૃક્ષો પર એકપણ પક્ષીએ માળો નથી બનાવ્યો! જીવજંતુનું તો નામોનિશાન સુધ્ધાં નથી! એવી માન્યતા છે કે કૃષ્ણને જાનથી પણ વધુ પ્રિય ગોપીઓ વૃક્ષ સ્વરૂપે ત્યાં વસવાટ કરી કાન્હા પ્રત્યેનાં પોતાનાં પ્રેમને વર્ણવે છે. લોકવાયકા અનુસાર, સ્વામી હરિદાસ નામનાં એક સંત શ્રીકૃષ્ણનાં પ્રખર ભક્ત હતાં. તેમની સાધનાથી પ્રસન્ન થઈને કૃષ્ણે તેમને પ્રત્યક્ષ દર્શન પણ દીધા હતાં. વનની એ જગ્યા આજે ‘પ્રાકટ્ય સ્થળ’ નામે ઓળખાય છે. દિવસનાં ભાગે દેશ-વિદેશનાં યાત્રિકો મંદિરની મુલાકાત લે છે. ઘણા ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોએ પણ મંદિરની મુલાકાત લઈને સંશોધનો કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમાંનું કોઈ અહીંના રહસ્યો પરથી પડદો નથી ઉઠાવી શક્યું!
વૃંદાવનથી સૌથી નજીકનું એરપોર્ટ આગ્રા ખાતે 67 કિલોમીટરનાં અંતરે આવેલું છે. યાત્રિકો ત્યાં સુધીની ફ્લાઇટમાં બેસી બાદમાં રિક્ષા કે ટેમ્પો પર સવાર થઈ નિધિવન આવી પહોંચે છે. ઉપરાંત, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલોર, કોલકાતા અને આગ્રા જેવા શહેરોને જોડતી ઘણી એક્સપ્રેસ ટ્રેનો પણ મથુરા રેલ્વે સ્ટેશનથી પ્રાપ્ય છે, જે વૃંદાવનથી ફક્ત 15 કિલોમીટરની દૂરી પર છે. નજીકનાં યાત્રાળુઓ દિલ્હી કે આગ્રાથી બસ અથવા ટેક્સી પકડીને મંદિરનાં દર્શન કરવા આવે છે. શ્રધ્ધાળુઓ માને છે કે નિધિવનમાં વસેલા રાધા-કૃષ્ણની મૂર્તિનાં સાક્ષાત દર્શન થકી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આમ જોવા જઈએ તો, બાંકે બિહારી મંદિર કોઈ તીર્થસ્થાનથી કમ નથી. પરંતુ અહીંની બિહામણી ઘટનાઓએ જે રીતે યાત્રાળુઓનાં ભોગ લીધા છે તેને લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિરનાં દર્શન બંધ કરી દેવાયા છે!
શું ખરેખર નિધિવનનાં આ કૃષ્ણ-મંદિરમાં મધરાત્રિએ રાસલીલા રચાય છે? જંગલની બરાબર વચ્ચે આવેલા આ મંદિરનું એવું કયું રહસ્ય છે જેનાં લીધે પશુ-પક્ષીઓ પણ સંધ્યા સમય બાદ ત્યાં આશરો લેવાનું પસંદ નથી કરતાં?! શા માટે વિજ્ઞાનીઓ પણ મંદિરની હકીકત જાણવામાં નિષ્ફળ રહ્યા? સવાલો પુષ્કળ છે, પરંતુ જવાબો એકેય નહી! આ એક એવું રહસ્ય છે, જેને ઉકેલી શકવું બિલકુલ સરળ નથી.