રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી
રાત્રે 11:30 વાગ્યે ગુમ થયેલો દર્દી સવારે 6 વાગ્યે મળ્યો !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળ્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેને લઈને તંત્રની લાપરવાહી અંગે સવાલો ઊઠી રહ્યા છે. ચાની દુકાન પાસેથી મળી આવેલા આ યુવકને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાંથી ચાલ્યો ગયો હોવાની એન્ટ્રી રાત્રે 11.30 વાગ્યે કરવામાં આવી હતી. જોકે, બાદમાં સવારે 6 વાગ્યાની આસપાસ આ દર્દી વોર્ડ નંબર 10નાં રસોડા પાસે પડ્યો હોવાની જાણ હેલ્પડેસ્કને કરવામાં આવતા ફરીથી તેને સારવાર માટે ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, 19 નવેમ્બરે બપોરના 3-30 વાગ્યે અવધના ઢાળીયા પાસેની એક ચાની દુકાન નજીકથી 35 વર્ષીય યુવક શરીરે મારના નિશાન સાથે ચાલતા-ચાલતા પડી ગયાની જાણકારી મળતા 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. સાંજના ચારેક વાગ્યાની આસપાસ યુવાનને સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં દાખલ કરાયો હતો. સર્જરી વોર્ડ નં.2માં દાખલ કરાયેલ યુવક રાત્રિના 11-30 વાગ્યે સર્જરી વોર્ડમાંથી નાસી ગયાની હોસ્પિટલ દ્વારા પોલીસ ચોકીમાં એન્ટ્રી કરાવાઇ હતી.
જોકે, સવારે સિવિલનાં જુના વોર્ડ 10ના રસોડા પાસે યુવક બેભાન હાલતમાં ધ્રુજતો જોવા મળ્યાની જાણ સિવિલ હોસ્પિટલનાં પટ્ટાવાળાએ હેલ્પડેસ્કને કરી હતી. જેને પગલે હેલ્પડેસ્કના સ્ટાફે સ્ટ્રેચર મારફત અર્ધનગ્ન હાલતમાં ધ્રુજતા યુવકને ફરી દાખલ કર્યો હતો. આ બાબતે ફરજ પરના મમતાબેન નામના પટ્ટાવાળાએ પણ સંબંધીત મેડિકલ ઓફિસર ડો. વિવેકને દર્દી અંગેની જાણકારી આપી હતી. જોકે, યુવક ચાલી પણ ન શકે તેવી હાલતમાં હોવા છતાં તારીખ 20ના કણસતી હાલતમાં રસોડા નજીકથી અર્ધનગ્ન હાલતમાં કેમ મળ્યો? તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે.
CCTV જોયા
બાદ કાર્યવાહીમાં શરમ નહિ રખાય: ડૉ. હેતલ ક્યાડા
સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલનાં એડિશનલ અધિક્ષક ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું હતું કે, મનોજ નામનો આ દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો. ખકઈ કેસ હેઠળ તેને દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, વોર્ડ નંબર 2માં દાખલ આ દર્દી અમારે ત્યાથી ચાલ્યો ગયો હોવાની નોંધ કરવામાં આવી છે. ત્યારે દર્દી ખરેખર કેવી રીતે વોર્ડની બહાર આવ્યો અને આ મામલામાં સત્ય શું છે? એ જાણવા સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે. સત્ય બહાર આવ્યા બાદ જો ખરેખર કોઇ જવાબદાર જણાશે તો કોઈપણ શરમ રાખ્યા વિના નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.