ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વન્યપ્રાણી આદાનપ્રદાન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢનાં સક્કરબાગમાંથી વાઘની જોડીનાં બદલામાં મુંબઈનાં ઝુમાં સિંહની જોડી મોકલવામાં આવી છે. ડી-11 અને ડી- 22 સિંહ યુગલનાં બદલે સક્કરબાગમાં બજરંગ નામનાં વાઘ અને દુર્ગા નામની વાઘણનું આગામન થયું છે. મુંબઈનાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેલા એક 17 વર્ષનાં સિંહનું વૃધ્ધાવસ્થાનાં કારણે ગત ઓકટોબર માસમાં મોત થયું હતું. ત્યારબાદ ત્યાં એક જ 11 વર્ષનો સિંહ રહ્યો હતો તે પણ બિમાર હાલતમાં છે. આથી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા વન્યપ્રાણી આદાનપ્રદાન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢનાં સક્કરબાગ ઝુમાંથી વાઘની જોડીનાં બદલામાં સિંહની જોડીની માંગણી કરવામાં આવી હતી. જેને ગત 31 ઓકટોબરનાં મંજુરી મળી હતી. જેનાં અનુસંધાને જૂનાગઢ સક્કરબાગ ઝુમાંથી બે-બે વર્ષનાં ડી- 11 અને ડી-22 નામનાં સિંહ અને સિંહણને મુંબઈનાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી 6 વર્ષનાં બજરંગ નામનાં વાઘ અને 4 વર્ષની દુર્ગા નામની વાઘણને જૂનાગઢનાં સક્કરબાગમાં લાવવામાં આવ્યા છે. આ વાઘ યુગલને આગામી એક મહિના સુધી નિરીક્ષણમાં રાખવામાં આવશે. ત્યારબાદ લોકોને નિહાળવા માટે પાંજરામાં રાખવામાં આવશે.