અંડરગ્રાઉન્ડ ટાંકાથી ઓછા પ્રેશરની સમસ્યા: ગ્રામજનોએ ઊંચા ટાંકાની અને ‘નલ સે જલ’ યોજનાના પાઇપલાઇન ટેસ્ટિંગની માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
થાનગઢથી આશરે 8 કિલોમીટર દૂર આવેલા નવા ગામે પાણીની ગંભીર સમસ્યાથી ગ્રામજનો તહેવારોના સમયે પરેશાન થઈ રહ્યા છે. થાન તાલુકાનું બીજા નંબરનું વસ્તી ધરાવતું હોવા છતાં, ગામમાં પાણીનો ટાંકો ઊંચાઈ પર ન હોવાને કારણે અડધાથી વધુ ગામને પાણી મળતું નથી.
ગામના ધરમશીભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, હાલમાં અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, જેના કારણે પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. માત્ર ટાંકાની નજીક રહેતા 30 ટકા જેટલા લોકોને જ પાણી નસીબ થાય છે, જ્યારે બાકીના ગામમાં ઘરમાં નળ હોવા છતાં પાણી પહોંચતું નથી. ગ્રામજનોની માંગ છે કે જો ઊંચાઈ પ્રમાણે ટાંકો બનાવવામાં આવે તો આખા ગામને પૂરતા પ્રેશરથી પાણી મળી શકે અને સરકારની ’નલ સે જલ’ યોજના સફળ થાય.
- Advertisement -
આ ઉપરાંત, વાસમો દ્વારા ગામમાં પાઇપલાઇન નાખવામાં આવી હતી જેને ત્રણ વર્ષ વીતી ગયા છતાં હજી સુધી તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું નથી, જેને કારણે યોજનાનો લાભ લોકોને મળ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામનું પાણી વાડીઓમાં ચોરી થતું હોવાની ફરિયાદ બાદ અધિકારીઓએ ચોરી કરનારને પકડવાને બદલે ગામનું પાણી બંધ કરી દીધું હતું. આ અંગે ગામના સરપંચે નર્મદા અધિકારીઓ સાથે વાતચીત કરીને વહેલી તકે પાણી ચાલુ કરાવવાની ખાતરી આપી છે.