ઝનાના હોસ્પિટલનું 80% કામ પૂર્ણ: ઈશ્ર્વરીયા પાર્કમાં નવી સવલતો ઉભી કરાશે: બે નવી પ્રાંત ઓફિસ બનાવવામાં આવશે: ગોંડલ ચોકડી ઓવરબ્રિજ ડીસે.ના અંતમાં એકતરફનો માર્ગ ચાલુ કરાશે
અનેક નવા પ્રકલ્પોની માહિતી આપતા ક્લેકટર મહેશ બાબુ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નજીક બની રહેલ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ આગામી જાન્યુઆરીના છેલ્લાં અઠવાડિયામાં તૈયાર થશે અને સંભવત: ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં પૂર્ણ રીતે તૈયાર થઈ જશે. હાલમાં હીરાસર એરપોર્ટમાં રન-વે તૈયાર થઈ ગયો છે. અંદરના રોડ બનવાનું ચાલુ છે અને મેઈન રોડથી અંડરબ્રિજનું કામ પણ 1 મહિનામાં પૂર્ણ થઈ જશે.
હીરાસરમાં એરપોર્ટ પર ટર્મિનલની કામગીરી પણ 50% ઉપર થઈ ગયેલ છે. આ ઉપરાંત જૂના હીરાસરના એક ગામના લોકોને વળતર ચૂકવવાનું ચાલુ છે જેથી હવે ટૂંક સમયમાં હીરાસર એરપોર્ટમાં અડચણરૂપ તમામ પ્રશ્ર્નોનો ઉકેલ આવી ગયેલ છે. સંભવત: આગામી વર્ષની શરૂઆતમાં લોકો માટે શરૂ થઈ જશે તેમ કલેકટર મહેશ બાબુએ જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે વિવિધ વિકાસ કામોને લગતી માહિતી પણ આપી હતી. જેમાં ઝનાના હોસ્પિટલનું બાંધકામ 80% પૂર્ણ થઈ ગયેલ છે. તેમાં 500 બેડની વ્યવસ્થા છે. જેમાં 200 બેડ બાળકો માટે અને 300 બેડ મહિલાઓ માટે છે. મેડીકલ સાધનોનું ફીટીંગ કરવાની કામગીરી પણ ચાલુ છે. જામનગર રોડ પર બે નવી પ્રાંત કચેરી બનાવવાની કામગીરી કરવામાં આવશે. જેમાં ગ્રામ્ય અને સીટી-2 વિભાગ ખસેડવામાં આવશે. જ્યારે ઈશ્ર્વરીયા પાર્ક સહેલાણીઓના લાભાર્થે આકર્ષક ઈકો ફ્રેન્ડલી બાંબુહાટ, ગેમઝોન, બોટીંગ માટે નવા લાઈફ જેકેટ, સાયન્સ મ્યુઝિયમમાં સાઈન બોર્ડ, વૃક્ષ-ઝાડનો ઉછેર કરાશે. બાળકો માટે હીંચકા, લપસિયાની સુવિધા ઉભી કરાશે. બોટને રંગરોગાન કરાશે. જ્યારે મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના જેવી ઘટના ન ઘટે તે માટે મોટર બોટની વ્યવસ્થા ઉભી કરાશે.
જ્યારે જુની પદ્મકુંવરબા હોસ્પિટલ જ્યાં છે ત્યાં સુવિધા અને રિનોવેશન અને ધસારાને ધ્યાને લઈને રૈયા રોડ પર 10,000 ચો.મી.માં નવી જ 200 બેડની પદ્મકુંવરબા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. જેનું આગામી બજેટમાં બજેટ પણ ફાળવણી કરવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી આપેલ છે.
- Advertisement -
ઘણાં સમયથી ચાલી રહેલ ગોંડલ ચોકડી પાસે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે છે. સંભવિત ડીસેમ્બર મહિનાના અંતમાં ગોંડલ-અમદાવાદ હાઈ-વે વાહનો માટે એકતરફનો માર્ગ ચાલુ થઈ જશે. જ્યારે માધાપર ઓવરબ્રિજની સમીક્ષા કરતાં ટૂંક સમયમાં ડાયર્વઝન શરૂ કરવામાં આવશે, જેનો રૂટ બેટીથી મિતાણાથી દહિંસરથી પડધરી તરફ 7.5 કિ.મી.નો રહેશે તેવું કલેકટર મહેશ બાબુએ જણાવ્યું હતું.
આ ઉપરાંત આગામી જૂન-જુલાઈમાં એઈમ્સ હોસ્પિટલ સંપૂર્ણ રીતે ચાલુ થશે તથા નવી કોર્ટ બિલ્ડિંગનું કામકાજ ઝડપી કરવાની સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ડી. એચ. કોલેજમાં મેન્ટલી રિટાયર્ડ હોમની પણ મુલાકાત લીધેલ હતી.