ધારાસભ્ય ઉદય કાનગડની અધ્યક્ષતામાં જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનની કલેક્ટર સાથે બેઠક
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનો ઇમિટેશન ઉદ્યોગ દેશભરમાં પ્રખ્યાત છે. આ ઉદ્યોગનાં વિકાસ માટે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ ખાતે નવા ઇમિટેશન (જેમ્સ એન્ડ જવેલરી) પાર્કની સ્થાપના માટેની પ્રક્રિયા આગળ વધી રહી છે. આ અંગે ધારાસભ્ય ઉદય કાનગડની અધ્યક્ષતામાં જેમ્સ એન્ડ જવેલરી એસો.ના હોદ્દેદારો અને જીઆઇડીસી એસો.ના અધિકારીઓએ જિલ્લા કલેકટર પ્રભવ જોશી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકોટમાં જેમ્સ એન્ડ જવેલરી પાર્કની સ્થાપના કરવા માટે 25 હેકટર જમીનની માંગ જિલ્લા કલેકટર તંત્ર પાસે કરવામાં આવી છે.
- Advertisement -
આ માટે કલેક્ટર તંત્ર દ્વારા ત્રણ સાઇટના વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં બામણબોર, સોખડા, મેસવડા ગામ નજીક આ જેમ્સ એન્ડ જવેલરી પાર્કની સ્થાપના કરવાના વિકલ્પ આપવામાં આવ્યા છે. આ ત્રણેય સોખડા, મેસવડા અને બામણબોરની સાઇટની જેમ્સ એન્ડ જવેલરી એસો.ના હોદેદારો દ્વારા વિઝીટ પણ કરી લેવામાં આવી છે.
રાજકોટમાં વહેલી તકે આ પાર્ક સ્થપાય તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે અને આયોરા પ્રોજેકટ અંતર્ગત રાજય સરકારને દરખાસ્ત મોકલવામાં આવનાર છે. આ ઇમિટેશન પાર્ક બનવાથી રાજકોટનાં ઇમિટેશન ઉદ્યોગનાં વિકાસ માટે નવા દ્વાર ખુલશે. આ સાથે જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના આર્થિક વિકાસમાં નોંધપાત્ર વધારો થશે.
હાલ ઇમિટેશન પાર્ક માટેની કવાયત શરૂ કરવામાં આવી છે, ત્યારે આ પાર્ક ક્યારે બનશે તે જોવું રહ્યું.