પ્લે ગ્રાઉન્ડ થકી ગ્રામજનોને 383 દિવસની રોજગારી મળી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી (મનરેગા) યોજના હેઠળ જળ સંચય-સંગ્રહ, લઘુ સિંચાઇ, મેટલ રસ્તા, વૃક્ષારોપણ, જમીન સમતળ ઉપરાંત ગ્રામીણ વિકાસના જુદા-જુદા કામો થયા હોવાનું સાંભળ્યું હશે પરંતુ જૂનાગઢના બિલખામાં મનરેગા યોજના હેઠળ એક નૂતન અને આગવું સર્જન થયું છે. અહીંયા રમત-ગમત ક્ષેત્રે યુવાનો-વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલી ઉઠવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ફીટ ઇન્ડિયા મુવમેન્ટને પણ એક નવો વેગ મળશે. જૂનાગઢ જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખની આગવી સૂઝના પરિણામે રુ.5.36 લાખના ખર્ચે ક્રિકેટ ઉપરાંત અન્ય રમતો રમી શકાય તેવું પ્લે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. આ નિર્માણથી ગ્રામજનોને 383 દિનની માનવ રોજગારી પણ ઉપલબ્ધ થઇ છે. આમ, એક યોજનાના માધ્યમથી પ્રજાલક્ષી બહુહેતુ સિદ્વિ થયા છે.રમતગમત માટે સાનુકુળ વાતાવરણનું નિર્માણ થાય અને ખાસ કરીને ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ, યુવાનોને રમતગમતમાં આગળ વધવા માટેની સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકાર નવા આયામો પર કાર્યરત છે. આ ઉપરાંત મનરેગા યોજના હેઠળ ગ્રામીણ સ્તરે રોજગારી મળવાની સાથે ગ્રામીણ વિકાસ માટેનું ટકાઉ સંપતિનું નિર્માણ થઇ રહ્યું છે.