રથયાત્રાના લીધે હાલ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે તપાસ દરમિયાન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ડ્રગ્સની લેવડદેવડ વધી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ અમદાવાદમાં એક યુવક ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપાયો હતો. ઉલ્લેખનીય છે કે રથયાત્રાને કારણે અત્યારે સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલી રહ્યું છે. આ ચેકિંગના ભાગરૂપે જ કાલુપુરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.જે.ચૂડાસમા અને તેમની ટીમ કાર્યરત હતી. આ ટીમે રાજસ્થાનથી આવતી બસમાંથી ઉતરેલા એક યુવકને આઠ લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો.આ ડ્રગ પહેલા રાજકોટ અને પછી જામનગર પહોચાડવાનું હતું તેવી કબુલાત પણ આ શખશે આપી છે. ગત સપ્તાહે તા. 16ના રોજ પણ ડ્રગ્સ સપ્લાય કરી ગયાનું જાણવા મળતા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી સૌરાષ્ટ્ર તરફની ડ્રગ્સ નેટવર્કની તપાસ આરંભી છે. યુવકની પૂછપરછ કરવામાં આવી તો ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવકનું નામ ગણપત ઝાલારામ બિશ્નોઈ છે. ગણપત કોઈ અશિક્ષિત યુવક નથી, તેણે સાયન્સમાં ગ્રેજ્યુએશન કરેલું છે. પોતાની આસપાસના બાળકોની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર ગણપત મોટિવેશનલ સ્પીકર બન્યો હતો. તેની વાતો સાંભળીને ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં પણ થઈ ગયા હતા. પરંતુ લાલચ બુરી બલા કહેવત એમને એમ નથી પડી. પૈસા કમાઈ લેવાની લાલચમાં ગણપત આડા પાટા પર ચઢી ગયો અને ડ્રગ્સ સપ્લાયર બની ગયો.