આદર્શ મતદાન મથકમાં ઇકો ફ્રેન્ડલી સુશોભન: સેલ્ફી ઝોન સહિતના આકર્ષણો જોવા મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
- Advertisement -
જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો સંદેશ આપતું મોડેલ મતદાન મથક બનાવવામાં આવ્યું છે. આ આદર્શ મતદાન મથકમાં ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરીને સુશોભન કરવામાં આવ્યું છે. ઉપરાંત સેલ્ફી ઝોન સહિતના આકર્ષણો પણ હશે. મદદનીશ ચૂંટણી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, લોકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા માટે પ્રેરણા મળે તે માટે ખાસ શ્રીમતી આર.જે.કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે એક મોડેલ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. આ મતદાન મથકમાં પ્લાસ્ટિકથી પર્યાવરણ- પ્રકૃતિને થતા નુકસાની જાણકારી પણ દર્શાવવામાં આવશે.
લોકોને એક હકારાત્મક ઉર્જા મળી રહે જુદા જુદા છોડના કુંડા અને કલાત્મક તોરણ પણ બાંધવામાં આવ્યા છે તેમજ ગિરનાર ઉપરાંત ઇકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિકના વપરાશ માટે પ્રતિબંધ છે. જેથી એક પ્લાસ્ટિકના વપરાશ ન કરવા માટે જનજાગૃતિ પણ કેળવાશે. તેની સાથે વિસાવદર વિધાનસભા બેઠક હેઠળના કુબા ગામમાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથક બનાવવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ જંગલની થીમને વણી લેવામાં આવી છે. આકર્ષક ગેઈટ બનાવવામાં આવ્યો છે સાથે કલાત્મક ડેકોરેશન કરાયું છે. જુદા જુદા કટ આઉટ મૂકવામાં આવ્યા છે. મતદાન માટે માન્ય આધાર પુરાવાનું લિસ્ટ, રંગોળી વગેરે રીતે આકર્ષક બનાવવામાં આવ્યું છે.