ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને રાજ્યભરની હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી મેડિકલ કોલેજના ડીન નિરજ બિશ્વાસ, મોરબી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.કે.આર. સરડવા, ડો. કાલરીયા સહિત આરોગ્ય અધિકારીઓની હાજરીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલ દરમિયાન પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્થિત ઓક્સિજન પ્લાન્ટની તાજેતરની સ્થિતી અને તેની ક્ષમતા, આરટીપીસીઆર લેબ, ઓક્સિજન સહિતના બેડ, વેન્ટિલેર્સની સુવિધા, આઈસોલેશન વોર્ડ તેમજ કોરોના વોર્ડ વગેરેનું સર્વગ્રાહી નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોનાની સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા અગમચેતીના ભાગરૂપે જરૂરી તમામ સુવિધાઓ અને સાધન સામગ્રીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.