ખનિજ ચોરી સાથે થાન નગરપાલિકાના પૂર્વ હોદ્દેદારનું નામ જોડાયાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ખનિજ ચોરી મુદ્દે જીલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ગમે એટલું કડક વલણ અપનાવે છતાં પણ ખનિજ ચોરી અટકવાનું નામ નથી લેતું જેનું કારણ અહી ખનિજ અંગેની મુખ્ય બ્રાન્ચ ગણાતી ખાણ ખનિજ વિભાગમાં જ ભ્રષ્ટાચારી સડો વ્યાપી ચૂક્યો છે જેનું ઉત્તમ ઉદાહરણ તરીકે હાલમાં જ ખનિજ ચોરી રોકવા માટે ચેકપોસ્ટ પર ખનિજ વિભાગનો ક્લાર્ક એ.સી.બીના છટકામાં લાંચ લેતો ઝડપાયો હતો. આ બનાવ પૂર્વે જ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના દ્વારા મૂળીના ભેટ ગામ અને થાનગઢના વેલાળા ગામના સરપંચને ખનિજ ચોરી મુદ્દે સસ્પેન્ડ કર્યા હતા પરંતુ આ ઘટના બાદ ખરેખર કોલસાની ખનિજ ચોરી અટકવાના બદલે ઉલટાનું ખનિજ માફિયાઓને મોકલું મેદાન મળ્યું ગયું હતું.
- Advertisement -
જેમાં ગત બુધવારે મોડી રાત્રે ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા થાનગઢના વેલાળા ગામે વિડ વિસ્તારમાં કોલસાના ગેરકાયદેસર ખનન કરતા ત્રણ કૂવા પર ત્રાટકી આશરે પાંચેક લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ કોલસાના ગેરકાયદેસર ખનન પર ખાણ ખનિજ ત્રાટકી આશરે 20 ટનથી વધુ કોલસો, કોલસો કાઢવા માટે ઉપયોગ થતી ચરખી, ગેરકાયદે ટ્રાન્સફોર્મર સહિત પાંચેક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે વેલાળા ગામે ઝડપાયેલ આ ખનિજ ચોરીમાં થાનગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેના નજીકના સ્વજનનું નામ સામે આવ્યું હતું. કહેવાય છે કે થાન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પોતે જ કોલસાની ગેરકાયદેસર ખનન કરતા હતા અને તેના નજીકના થાનગઢના તમામ ગેરકાયદેસર ખાણોનો વહીવટ ચલાવતા હતા આ બંને સાળા-બનેવીની જોડી ચલાવતા કોલસાની ગેરકાયદેસર ખાણ પર ખનિજ વિભાગે દરોડો કરતા કોલસા કાળો ડાઘ લાગે તે પૂર્વે જ ગાંધીનગરથી રાજકીય આકાઓના ફોન રણકવાના શરૂ થયા હતા અને ખનિજ ચોરી બિન વારસી દર્શાવવા માટે મરણિયા પ્રયાસો પણ શરૂ થયા હતા. આ તરફ હાલમાંજ કોઈ કારણ વગર વેલાળા ગામના સરપંચની ખનિજ ચોરી મુદ્દે ભોગ લેવાતા સરપંચના પક્ષે આવેલા લોકો દ્વારા તટસ્થ તપાસ સાથે કોલસાની ખનિજ ચોરી કરતા રાજકીય પીઠબળ ધરાવનાર નેતાઓ પર પણ કાર્યવાહીની માંગ કરી હતી.
ખનિજ ચોરી મુદ્દે TDO અથવા મામલતદારને સસ્પેન્ડ કરવા માંગ
વેલાળા ગામે ફરી ખનિજ ચોરી ઝડપાયા બાદ જિલ્લા વિકાસ અધિકારી આ વખતે દોષનો ટોપલો કોણ શિરે નાખશે ? કારણ કે અગાઉ ખંજન ચોરી ઝડપાયેલ હતી જે મુદ્દે વેલાળા ગામના સરપંચને હાલમાં જ સસ્પેન્ડ કર્યા છે જેથી હવે તમામ જવાબદારી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની રહે છે તો જેથી જે પ્રકારે સરપંચને ખનિજ ચોરી મુદ્દે જવાબદાર ગણી સસ્પેન્ડ કર્યા તે પ્રકારે તાલુકા વિકાસ અધિકારી અથવા મામલતદારને પણ આ ખનિજ ચોરીના જવાબદાર ગણી સસ્પેન્ડ કરાય તેવી જાગૃત નાગરિક રામકુભાઈ કરપડા દ્વારા માંગ કરાઈ છે.”
- Advertisement -