કોઈ એક મહાન ચિત્રકાર એકવાર ભગવાનને મળવા માટે ગયો. ભગવાનને મળીને એણે કહ્યું, પ્રભુ, આ જગતમાં મારી તોલે આવી શકે એવો બીજો કોઈ ચિત્રકાર નથી. ભગવાને પૂછ્યું, ભાઈ તારામાં એવી કઈ વિશેષતા છે જે બીજામાં નથી ? પેલાએ ગર્વ સાથે કહ્યું, પ્રભુ, ચિત્રકારની નજર સામે કોઈ વ્યક્તિ હોય ત્યારે એ એનું આબેહૂબ ચિત્ર બનાવી શકે એ તો સમજી શકાય. પરંતુ હું તો એક જ વાર વ્યક્તિને જોઈ લઉં અને પછી એ વ્યક્તિ મારી સામે ન હોય; તો પણ હું આબેહૂબ એ વ્યક્તિના જેવું જ ચિત્ર બનાવી શકું. ભગવાને કહ્યું, આ તો ખરેખર અદ્ભુત કલા છે. ચાલ મારું જ ચિત્ર બનાવીને બતાવ. પેલા ચિત્રકારે ભગવાનને પગથી માથા સુધી ધારી ધારીને જોયા પછી કહ્યું કે પ્રભુ હવે આપ જતા રહો. કલાક પછી આવજો. કલાકમાં પેલા ચિત્રકારે ચિત્ર તૈયાર કરી નાખ્યું અને ભગવાન આવ્યા. ચિત્રકારે હરખાતા હરખાતા કહ્યું, જુઓ પ્રભુ, છે ને બિલકુલ આપના જેવું જ ? ભગવાને ચિત્ર સામે જોઈને કહ્યું, અરે ભાઈ, આમાં તો કંઈ મારા જેવું નથી. તું ગાંડો થયો છે કે શું? ચિત્રકારે ભગવાનની સામે જોયું તો એ તો જોતો જ રહી ગયો. ભગવાને પોતાનો ચહેરો જ બદલી નાખ્યો હતો. આ ચિત્રકાર પણ હાર માને એમ નહોતો. એને બદલાયેલા ચહેરાનું ચિત્ર બનાવ્યું અને ભગવાને ફરી વાર ચહેરો બદલ્યો. આવું ઘણીવાર બન્યું. ચિત્રકાર મૂંઝાયો કે, ‘આ ભગવાન તો દરેક વખતે પોતાનો ચહેરો બદલી નાખે છે. મારે શું કરવું ?’ ત્યાં નારદજી આવ્યા. એણે ચિત્રકારની સમસ્યા સાંભળી અને કાનમાં એનો ઉકેલ કહ્યો. ચિત્રકાર નારદજીની વાત સાંભળીને ખુશ થઈ ગયો. થોડીવારમાં ભગવાન આવ્યા. ચહેરો તો બદલાઈ ગયો હતો. ભગવાન કહે, ભાઈ, હવે તો હાર માની લે. પેલો ચિત્રકાર કહે, ના પ્રભુ, આપ જુઓ. આપનું જ ચિત્ર બનાવ્યું છે. ભગવાને ચિત્ર સામે જોયું અને ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા, અરે ! તને કોઈ સારો માર્ગદર્શક મળી ગયો લાગે છે. આ વખતે ચિત્રકારે નારદજીના કહ્યા પ્રમાણે ચિત્ર દોરવાને બદલે એણે ચિત્રના માપનો અરીસો જ મૂકી દીધો હતો. હવે ભગવાનને જેટલા રૂપ બદલવા હોય એટલા ભલે બદલે; અરીસો સાચું ચિત્ર જ બતાવશે. જિંદગી પણ ભગવાનની જેમ રોજ રોજ બદલાયા કરે છે. જો નારદજી જેવા કોઈ યોગ્ય માર્ગદર્શક મળી જાય તો આ બદલાતી જિંદગીની સામે પણ આપણે આનંદમાં રહી શકીએ. આપણી જાતને એવી ઘડી શકીએ કે જિંદગીએ જેટલા રંગ-રૂપ બદલવા હોય એટલા ભલે બદલે, આપણે તો એય ને મોજે મોજ.
દસ વર્ષ સુધી વાંચેલા સારાં-સારાં પુસ્તકો કરતા પણ સજ્જન સાથેનો એક પ્રત્યક્ષ વાર્તાલાપ અધિક છે
– લોંગ ફેલો